News of Tuesday, 12th May 2026
નીટ યુજી પરીક્ષા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ગુનો દાખલ : પેપર લીક મામલે તપાસનો ધમધમાટ શરૂ : નાસિક પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ બાદ હવે સમગ્ર દેશમાં ફરીથી પરીક્ષા લેવાશે : નવી તારીખ ટૂંક સમયમાં બહાર પડશે
કેન્દ્ર સરકારના આદેશથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી : ૨૨ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત વચ્ચે એનટીએ દ્વારા પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત ૩ મે ૨૦૨૬ના રોજ આયોજિત નીટ યુજી પરીક્ષામાં પેપર લીક થવાની ગંભીર ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. સીબીઆઈ દ્વારા આ મામલે વિધિવત રીતે કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ અને વ્હીસલબ્લોઅર દ્વારા મળેલા ઇનપુટ્સ મુજબ પરીક્ષાની પારદર્શિતા જોખમાઈ હોવાનું સાબિત થતા સરકારે આ મામલો સીબીઆઈને સોંપવાનો અને પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
કૌભાંડનું નાસિક કનેક્શન અને ધરપકડ
પેપર લીક પ્રકરણમાં નાસિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ ૨ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારી કિરણકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે રાજસ્થાન પોલીસની વિનંતી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન એવા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે કે લીક થયેલા પેપરની પ્રથમ કોપી નાસિકમાં તૈયાર થઈ હતી, જ્યાંથી તે હરિયાણા મોકલાઈ અને ત્યારબાદ બિહાર, આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર તેમજ રાજસ્થાન જેવા રાજ્યોમાં ફેલાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને ફી રિફંડ અને નવી પરીક્ષા
એનટીએના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું છે કે ૭ મેના રોજ વોટ્સએપ પર પેપર ફરતા થયા હોવાની જાણકારી મળી હતી. હવે આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવા માટેનું નવું શિડ્યુલ અને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. આ સાથે જ પરીક્ષા રદ થવાને કારણે તમામ ૨૨.૦૫ લાખ ઉમેદવારોની રજિસ્ટ્રેશન ફી પરત (રિફંડ) કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં થયેલી આ ગેરરીતિ સામે નરેન્દ્રભાઈની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈની રાજ્ય સરકારો શિક્ષણની ગુણવત્તા જાળવવા કટિબદ્ધ છે. સીબીઆઈ હવે આ મામલે વ્યાપક તપાસ કરીને પેપર લીક કરનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
