<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

વાંદરા પકડો અને માલામાલ બનો: હવે એક વાંદરાના મળશે ₹600!

મહારાષ્ટ્ર સરકારનો હુમલાખોર વાંદરાઓને નાથવા માટેનો માસ્ટરપ્લાન: પાકનું નુકસાન અટકાવવા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે ઇનામની રકમમાં સીધો બમણો વધારો

મુંબઈ: મહારાષ્ટ્રના શહેરો અને ગામડાઓમાં વધતા જતા 'વાનર સેના'ના આતંકને ડામવા માટે રાજ્ય સરકારે એક અનોખી કીમિયો અજમાવ્યો છે. હવે જો તમે કોઈ તોફાની વાંદરાને સુરક્ષિત રીતે પકડીને જંગલ ભેગો કરશો, તો સરકાર તમારા ખાતામાં 600 રૂપિયા જમા કરશે. અગાઉ આ કામ માટે માત્ર 300 રૂપિયા આપવામાં આવતા હતા, પરંતુ વાંદરાઓના વધતા ઉપદ્રવ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રોત્સાહન રકમમાં સીધો 100% નો વધારો કર્યો છે. આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીના પાકને થતું નુકસાન અટકાવવાનો અને રહેણાંક વિસ્તારોમાં વાંદરાઓના હુમલાથી લોકોને બચાવવાનો છે.

વન વિભાગના નિષ્ણાતોનું માનવું છે કે માનવ વસાહતોમાં વાંદરાઓને મળતો સરળ ખોરાક તેમને આક્રમક બનાવી રહ્યો છે. જ્યારે તેઓને ખોરાક નથી મળતો, ત્યારે તેઓ ઘરોમાં ઘૂસી જાય છે અથવા રસ્તા પર જતા લોકો પર હુમલો કરે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માત્ર તેમને ભગાડવા પૂરતા નથી, પરંતુ તેમને પકડીને તેમના કુદરતી આવાસ એટલે કે ઊંડા જંગલોમાં પુનઃસ્થાપિત કરવા જરૂરી છે. આ યોજના દ્વારા સ્થાનિક લોકોને રોજગારીની તક પણ મળશે અને વન વિભાગને પ્રાણીઓને પકડવામાં જનતાનો સહયોગ પણ પ્રાપ્ત થશે.

સરકારના મહેસૂલ અને વન વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આ નવી રકમ 22 એપ્રિલ, 2026 થી અમલમાં આવી ગઈ છે. જોકે, આ પ્રક્રિયામાં પ્રાણીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પકડાયેલા દરેક વાંદરાનું સૌપ્રથમ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે તે સ્વસ્થ છે, અને ત્યારબાદ જ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલમાં મુક્ત કરવામાં આવશે. આ સમગ્ર મિશન વન વિભાગની સીધી દેખરેખ હેઠળ ચાલશે જેથી પારદર્શિતા જળવાય અને વાંદરાઓને પકડતી વખતે કોઈ પણ પ્રકારની ક્રૂરતા ન થાય.

(6:47 PM IST)