તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Saturday, 25th July 2026
નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાના આરોપનો મામલો: સોનિયા ગાંધી સામે FIR પર દિલ્હી કોર્ટ ૧૩ ઓગસ્ટે સંભળાવશે ચુકાદો!
રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો: ૧ ઓગસ્ટ સુધી બંને પક્ષોને લેખિત રજૂઆતો રજૂ કરવા આદેશ, કોંગ્રેસ નેતાએ તમામ આરોપોને ફગાવીને કાયદાનો દુરુપયોગ ગણાવ્યો

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી ભારતીય નાગરિક બન્યા તે પહેલાં જ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતી અરજી પર દિલ્હીની અદાલતે શનિવારે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ વિશા ગોગને જણાવ્યું હતું કે આ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મામલે કોર્ટ પોતાનો આદેશ આવનારી ૧૩ ઓગસ્ટે સંભળાવશે. આ સાથે જ કોર્ટે સોનિયા ગાંધી અને ફરિયાદી વિકાસ ત્રિપાઠી બંનેને ૧ ઓગસ્ટ સુધીમાં પોતપોતાની લેખિત રજૂઆતો દાખલ કરવાનો સમય આપ્યો છે.
ફરિયાદી વિકાસ ત્રિપાઠીએ સોનિયા ગાંધી સામે આ મામલે પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધવા માટે પોલીસને નિર્દેશ આપવાની કોર્ટ સમક્ષ માગણી કરી છે. ત્રિપાઠીનો મુખ્ય દાવો છે કે સોનિયા ગાંધી એપ્રિલ ૧૯૮૩ માં ભારતના અધિકૃત નાગરિક બન્યા હતા, પરંતુ તેમ છતાં ૧૯૮૦ માં નવી દિલ્હી મતવિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે ૧૯૮૦ માં નામ ઉમેર્યા બાદ ૧૯૮૨ માં તે કાઢી નંખાયું હતું અને ૧૯૮૩ માં ફરીથી દાખલ કરાયું હતું. અગાઉ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACMM) વૈભવ ચૌરસિયાએ આ ફરિયાદ ફગાવી દીધી હતી, જેની સામે ત્રિપાઠીએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી.
બીજી તરફ, સોનિયા ગાંધીએ કોર્ટ સમક્ષ પોતાના ટૂંકા જવાબમાં આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે દલીલ કરી છે કે આ કેસ સંપૂર્ણપણે ખોટી કલ્પનાઓ, અટકળો, મીડિયા અહેવાલો અને રાજકીય દ્વેષથી પ્રેરિત છે તથા કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરવાના આશયથી કરવામાં આવ્યો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાના વકીલે કોર્ટને જણાવ્યું કે ફરિયાદીએ મતદાર નોંધણી, નાગરિકતા કે કોઈ બનાવટી રેકોર્ડ સંબંધિત પ્રાથમિક દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા નથી. હવે આ હાઇપ્રોફાઇલ મામલે કોર્ટના ૧૩ ઓગસ્ટના ચુકાદા પર સૌની નજર ટકેલી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
