<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

કાન્સના રેડ કાર્પેટ પર ગૂંજ્યો ‘રાધે-કૃષ્ણ’નો નાદ: ભારતીય અભિનેત્રીએ વૃંદાવન લહેંગા, તુલસી માલા અને હાથમાં ભગવદ ગીતા સાથે વિદેશીઓને ઘેલું લગાડ્યું

ગ્લેમરની દુનિયામાં ‘સનાતન ધર્મ’નો ડંકો: આરતી ખેતરપાલે ફ્રેન્ચ રિવિએરા પર ભક્તિ અને ફેશનનો અદભૂત સંગમ રચી ઈતિહાસ સર્જ્યો

કાન્સ (ફ્રાન્સ), તા. ૧૪: પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬માં જ્યારે વિશ્વભરના સિતારાઓ પોતાના મોંઘા અને ગ્લેમરસ આઉટફિટ્સથી લાઈમલાઈટ મેળવવા મથતા હતા, ત્યારે એક ભારતીય અભિનેત્રીએ પોતાની અનન્ય ‘દેશી’ અને આધ્યાત્મિક શૈલીથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રી આરતી ખેતરપાલે કાન્સના રેડ કાર્પેટ પર ભગવાન કૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વૈષ્ણવ વારસાને શ્રદ્ધાંજલિ અર્પીને એક નવો જ ચીલો ચાતર્યો છે.
 
વૃંદાવનની ઝલક અને ભક્તિનું પ્રતીક
આ ખાસ પ્રસંગે આરતીએ સુલક્ષણા મોંગા દ્વારા ડિઝાઇન કરાયેલો કસ્ટમ-મેઇડ ‘વૃંદાવન લહેંગા’ પહેર્યો હતો. ચમકતા પીળા રંગના આ લહેંગાના ઘેરાવ પર વૃંદાવનની પવિત્ર કુંજગલીઓ અને કલાકૃતિઓ જટિલ રીતે કંડારવામાં આવી હતી. આ પોશાક માત્ર ફેશન સ્ટેટમેન્ટ નહોતો, પરંતુ ભારતીય પરંપરા અને શાહી ભક્તિનું જીવંત ઉદાહરણ હતું.
 
રેડ કાર્પેટ પર હાથમાં ‘ભગવદ ગીતા’ અને ‘જાપ બેગ’
આરતીનો દેખાવ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે તે રેડ કાર્પેટ પર પરંપરાગત ‘તુલસી કાંતી માલા’ અને હાથમાં ‘જાપ બેગ’ (માળા ફેરવવાની થેલી) સાથે ઉતરી હતી. એટલું જ નહીં, તેની પાસે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત ભગવદ ગીતાનું લઘુચિત્ર સંસ્કરણ પણ હતું. ગ્લેમરના આ આંતરરાષ્ટ્રીય મંચ પર ‘સનાતન ધર્મ’નું આવું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ જોઈને ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા.
 
પિતાને સમર્પિત કરી આ ઐતિહાસિક ક્ષણ
આરતીએ સોશિયલ મીડિયા પર આ પળો શેર કરતા એક ભાવુક કેપ્શન લખ્યું હતું. તેણે આ સિદ્ધિ પોતાના પિતાને સમર્પિત કરી છે, જેમની ફિલ્મ આ વર્ષે કાન્સમાં પ્રદર્શિત થઈ રહી છે. તેણે લખ્યું કે, "પ્રભુ કૃષ્ણ મને જે પણ પ્લેટફોર્મ આપે, ત્યાં પૂરી પ્રામાણિકતાથી સેવા કરવી અને રાધારાણીની શક્તિથી સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરવું એ મારી જવાબદારી છે. હું જે કંઈ પણ છું તે ભગવાનને કારણે જ છું."
 
પરંપરાગત ઘરેણાંથી પૂર્ણ થયો લુક
આરતીએ પોતાના લુકને પૂર્ણ કરવા માટે પોલ્કી જ્વેલરીનો ઉપયોગ કર્યો હતો, જેમાં VCJ બેસ્પોકનું બ્રેસલેટ અને સુલક્ષણા મોંગાનું સ્ટેટમેન્ટ નેકલેસ સામેલ હતું. ફેશન વિવેચકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આરતીના આ હિંમતભર્યા અને શ્રદ્ધાથી છલોછલ દેખાવના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ દેખાવે સાબિત કરી દીધું છે કે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ હવે સાચા અર્થમાં વૈશ્વિક બની રહ્યો છે.

(5:25 PM IST)