News of Sunday, 19th April 2026
ખાલી હાથે આવ્યા અને કરોડોની લક્ઝરી કાર લઈને ગયા: ચીનમાં વ્યક્તિના અંતિમ સંસ્કારમાં દોઢ કરોડની મર્સિડીઝ કબરમાં દફનાવી દેતા દુનિયાભરમાં હોબાળો
પતરલોક કે સ્વર્ગમાં પણ વૈભવી મુસાફરી કરવાના અંધવિશ્વાસમાં લિયાઓનિંગના પરિવારે મર્સિડીઝ-બેન્ઝ સાથે જ શબને દફનાવ્યું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા પ્રશાસને શિસ્તભંગના પગલાં ભરવાની તૈયારી કરી

લિયાઓનિંગ:સામાન્ય રીતે માણસના મૃત્યુ પછી તેને ખાલી હાથે વિદાય આપવામાં આવે છે, પરંતુ ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં એક અત્યંત આઘાતજનક અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવારે તેમના સ્વજનના નિધન બાદ પરંપરાગત રીત-રિવાજોના નામે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા વટાવી દીધી છે. પરિવારે મૃતદેહની સાથે અંદાજે રૂ. 1.49 કરોડની કિંમતની આલીશાન મર્સિડીઝ-બેન્ઝ S450L કારને પણ જમીનમાં દફનાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા છે, જેમાં જેસીબી જેવા ખોદકામ મશીન વડે કારને ઊંડા ખાડામાં ઉતારવામાં આવતી જોઈ શકાય છે.
આ લક્ઝરી કારની ખાસ વાત એ હતી કે તેની નંબર પ્લેટ પર '8888' અંક હતો, જેને ચીની સંસ્કૃતિમાં અત્યંત શુકનવંતો અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પરિવારની દલીલ છે કે મૃતકને આ કાર પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને પરલોકમાં પણ તેમને સુખ-સુવિધા મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો હતો. જોકે, આ ભવ્ય અંતિમ વિદાય જોયા બાદ ઇન્ટરનેટ પર નવી ચર્ચા છેડાઈ છે. ઘણા યુઝર્સે તેને કુદરતી સંસાધનોનો બગાડ અને પર્યાવરણ માટે જોખમી ગણાવ્યું છે, જ્યારે કેટલાકે તેને અમીરોનું પ્રદર્શન ગણાવી ટીકા કરી છે.
મામલો ગરમાતા સ્થાનિક વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. નાગરિક બાબતોના વિભાગે આ કૃત્યને "સામંતવાદી અંધશ્રદ્ધા" ગણાવી પરિવારને આકરો ઠપકો આપ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જમીનમાં આટલા મોટા પ્રમાણમાં ધાતુ અને પ્લાસ્ટિક દફનાવવાથી ભૂગર્ભ જળ અને જમીનને નુકસાન થઈ શકે છે. હવે આ પરિવાર સામે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે અને એવી શક્યતા છે કે તેમને મોટો આર્થિક દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ પરિવારને કબરમાંથી કાર બહાર કાઢવા અને તે જગ્યાને ફરી પૂર્વવત્ કરવાની ફરજ પડી શકે છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
