<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

૪.૧૦ કરોડ રોકડા અને ૮.૧૧ કરોડના દાગીના જપ્ત કરવાના કેસમાં વેપારીને મોટી રાહત

૧૯.૨૬ કરોડની આવક જાહેર કરનાર વેપારીને આવકવેરા વિભાગે ફટકો માર્યો હતો : બેંગલુરુની આવકવેરા અપીલ ટ્રિબ્યુનલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો

બેંગલુરુ : આવકવેરા વિભાગની તપાસ દરમિયાન જપ્ત કરાયેલી કરોડોની રોકડ અને દાગીનાને કોઈ વધારાના પુરાવા વિના કાળાં નાણાં તરીકે ગણી શકાય નહીં તેવો મહત્વપૂર્ણ નિર્ણય આવકવેરા અપીલ ટ્રિબ્યુનલે આપ્યો છે.

બેંગલુરુના અમરલાલ નામના વેપારીના નિવાસસ્થાન અને બેન્ક લોકરમાં આવકવેરા વિભાગે ૨૦ જુલાઈ, ૨૦૧૮ના રોજ તપાસ હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમિયાન લોકરમાંથી ૩.૯૦ કરોડ રૂપિયા અને ઘરમાંથી ૨૦ લાખ રૂપિયા મળીને કુલ ૪.૧૦ કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા.

આ ઉપરાંત લગભગ ૮.૧૧ કરોડ રૂપિયાના સોના અને હીરાના દાગીના તથા ૧૬.૨૫ લાખ રૂપિયાની બે ઘડિયાળો મળી આવી હતી.

વેપારીએ જણાવ્યું હતું કે તેમણે આવકવેરા રિટર્નમાં કુલ ૧૯.૨૬ કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી, જેમાં ૧૮.૧૧ કરોડ રૂપિયા વ્યવસાયની આવક હતી.

વેપારીએ દાગીના અને રોકડ અંગે અગાઉના હિસાબો તથા દસ્તાવેજો રજૂ કર્યા હતા.

૩ નવેમ્બર, ૨૦૨૬ના ચુકાદામાં ટ્રિબ્યુનલે વેપારીની દલીલો સ્વીકારી હતી. જપ્ત રકમને બિનહિસાબી આવક ગણવાને બદલે સંબંધિત વ્યવસાયિક આવક તરીકે સામાન્ય લાગુ પડતા દરે કરવેરો નક્કી કરવા જણાવ્યું હતું.

 

આ ચુકાદો યોગ્ય હિસાબી દસ્તાવેજો જાળવતા કરદાતાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

(11:23 AM IST)