તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th May 2026
રાજસ્થાનમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા વચ્ચે ૧૧ વર્ષના માસૂમની નિર્મમ નરબલિ: સુંદર પત્ની અને પરી મેળવવાની ઘેલછામાં નરાધમે બાળકની ગરદન કાપી નાખી
તાંત્રિકો અને મૌલવીઓના સકંજામાં ફસાયેલા પાપીએ જંગલમાં તળાવના કિનારે તાંત્રિક વિધિ કરીને પડોશના બાળકને મોતને ઘાટ ઉતાર્યો; અગાઉ અન્ય એક માસૂમનો શિકાર કરવાનો પ્લાન નિષ્ફળ રહ્યો હોવાનો પોલીસ પૂછપરછમાં પર્દાફાશ.

પાલી: રાજસ્થાનના પાલી જિલ્લાના સોજાત પંથકમાંથી અંધશ્રદ્ધા અને ક્રૂરતાની તમામ હદો વટાવતી એક લોહિયાળ ઘટના સામે આવી છે. પૃથ્વી પર દેવદૂત જેવી અતિ સુંદર પત્ની મેળવવા અને મરણ પછી સ્વર્ગમાં પરી જેવી અપ્સરા પામવાની અંધઘેલછામાં એક નરાધમે ૧૧ વર્ષના નિર્દોષ બાળકનું માથું કાપીને તેની ક્રૂર નરબલિ ચડાવી દીધી છે. આ લોહીઉકાળતી ઘટનાના મુખ્ય આરોપી શેરુ ખાન મોયલાની લાંબી અને સઘન પૂછપરછ કર્યા બાદ શુક્રવારે મોડી રાત્રે પોલીસે કાનૂની રાહે સત્તાવાર ધરપકડ કરી લીધી છે.
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી શેરુ ખાને તપાસ અધિકારીઓ સમક્ષ અનેક સનસનીખેજ અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીએ જણાવ્યું કે તે એક સુંદર પત્ની મેળવવા માટે લાંબા સમયથી જુદા-જુદા તાંત્રિકો અને મૌલવીઓના સંપર્કમાં હતો, જેમણે તેને એક રહસ્યમય જાદુઈ વિધિ શીખવી હતી. તાંત્રિકોએ તેને લાલચ આપી હતી કે જો તે પહેલા કોઈ પશુની અને ત્યારબાદ કોઈ માસૂમ બાળકની નરબલિ આપશે, તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તેને લગ્ન માટે અત્યંત સુંદર કન્યા મળી જશે. આ વહેમના ચક્કરમાં તેણે અગાઉ પડોશના એક બીજા બાળકનું પણ અપહરણ કર્યું હતું, પરંતુ તે સદનસીબે ભાગી છૂટ્યો હતો.
આરોપીની ગુનાહિત માનસિકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દોઢ વર્ષ પહેલાં તેણે ગામમાં એક નિર્દોષ ભેંસના બચ્ચાનું ગળું કાપીને કતલ કરી નાખી હતી. આ ભયાનક કૃત્ય અને તેની ચોરીની આદતોથી કંટાળીને તેની પત્નીએ લગ્નના બીજા જ દિવસે સાસરી છોડી દીધી હતી અને ત્યારબાદ તેને કાનૂની રીતે છૂટાછેડા આપી દીધા હતા. પત્ની છોડીને ચાલી જતાં એકલતા અનુભવતા શેરુ ખાને તાંત્રિકોના કહેવાથી ગામના અનેક સગીર બાળકોની રેકી કરીને આ આયોજનબદ્ધ હત્યાકાંડનો આખો નકશો તૈયાર કર્યો હતો.
હત્યાની કાળી રાત્રે આરોપીએ ગામની બહાર આવેલા જંગલમાં તળાવના કિનારે બલિદાન માટેની તમામ તળેટીઓ પહેલેથી જ ગોઠવી દીધી હતી, જેમાં જાદુઈ વિધિના લાકડા, માટીનું વાસણ, લાલ કાપડ, ધૂપસળી, કાળા મરી અને પવિત્ર લાલ દોરો સામેલ હતા. ત્યારબાદ તે ગામમાં પાછો ફર્યો અને એક માસૂમ બાળકને લાલચ આપીને પટાવી ફોસલાવીને તળાવ કિનારે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે નિર્દયતાપૂર્વક ધારદાર હથિયાર વડે બાળકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને તેનો મૃતદેહ ઝાડીઓમાં ફેંકી નાખી ભાગી છૂટ્યો હતો.
સોજાતના સીઓ રતન દેવાસીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પાપી વારંવાર પોતાના નિવેદનો બદલીને પોલીસ ટીમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગુનાના સ્થળેથી પૂજાની સામગ્રી અને તાંત્રિક વિધિના પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ હાલ આ કાળા કારોબાર પાછળ સંકળાયેલા અજ્ઞાત તાંત્રિકો અને મૌલવીઓના ચોક્કસ લોકેશન મેળવવા માટે આકરી પૂછપરછ કરી રહી છે, જેથી સમાજમાં અંધશ્રદ્ધાનો આવો ઘાતક ઝેર ફેલાવનારા મુખ્ય સૂત્રધારોને પણ જેલના સળિયા પાછળ ધકેલી શકાય.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
