<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

મગજ પણ આપણું, ઘાતક ક્ષમતા પણ આપણી": દિવ્યસ્ત્ર Mk3 ના સફળ પરીક્ષણથી ભારતની સૈન્ય તાકાતમાં ઐતિહાસિક ઉછાળો

100% સ્વદેશી જેટ એન્જિન ધરાવતા લોઇટરિંગ મ્યુનિશન અને ULPGM-V3 મિસાઇલના સફળ પરીક્ષણે ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડાડી: 'આત્મનિર્ભર ભારત' ક્ષેત્રે નવી ક્રાંતિ

નવી દિલ્હી :  ભારતે સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 11 ઓગસ્ટ, 2026 ના રોજ કાવા UAV (HoverIt) દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસિત અને આગામી પેઢીના જેટ-સંચાલિત લોઇટરિંગ મ્યુનિશન 'દિવ્યસ્ત્ર Mk3' નું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે. માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરાયેલું આ અત્યાધુનિક હથિયાર ભારતમાં જ બનેલા DG પ્રોપલ્શનના જેટ એન્જિન દ્વારા સંચાલિત થાય છે. કોઈપણ વિદેશી પાર્ટ કે સબસિસ્ટમ વગર તૈયાર કરાયેલી આ પ્રિસિઝન સ્ટ્રાઇક સિસ્ટમથી ભારત હવે વિશ્વના એવા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જે પોતાની સરહદોની અંદર આવી ઘાતક તકનીક વિકસાવવાની ક્ષમતા ધરાવે છે.

આ મહત્ત્વપૂર્ણ સફળતાની સાથે જ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આંધ્રપ્રદેશના કુર્નૂલ સ્થિત ટેસ્ટ રેન્જ ખાતેથી 'ULPGM-V3' (યૂએવી લોન્ચ્ડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ) ના અંતિમ ડેવલપમેન્ટ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ મિસાઇલનું પરીક્ષણ 'એર-ટુ-સરફેસ' (હવાથી જમીન) અને 'એર-ટુ-એર' (હવાથી હવા) બંને મોડમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેને આધુનિક ઇન્ટિગ્રેટેડ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ (GCS) દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું, જે આપમેળે લોન્ચ કામગીરી હાથ ધરીને મિલિસેકન્ડ્સમાં ચોક્કસ નિશાનો વીંધવાની ક્ષમતા ધરાવે છે.

ભારતની આ બેવડી લશ્કરી સિદ્ધિ પાછળ જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેની મજબૂત ભાગીદારી રહેલી છે. ULPGM-V3 મિસાઇલ માટે DRDO એ ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે, જ્યારે આ પરીક્ષણ દરમિયાન બેંગલુરુ સ્થિત ન્યૂસ્પેસ રિસર્ચ એન્ડ ટેક્નોલોજીસ દ્વારા વિકસિત યૂએવી સાથે મિસાઇલનું ઉત્કૃષ્ટ સંકલન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ દેશી ટેકનોલોજીથી સજ્જ આ નવા શસ્ત્રોના આગમનથી દેશની સરહદો પર ચોકીદારી વધુ મજબૂત બની છે અને પાડોશી દેશો ચીન તથા પાકિસ્તાન પર વ્યુહરચનાત્મક દબાણ નોંધપાત્ર રીતે વધી ગયું છે.

(6:46 PM IST)