<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મુંધવા જમીન કૌભાંડમાં બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ: ૯૯% હિસ્સો હોવા છતાં પાર્થ પવાર સામે FIR કેમ નહીં?

૧% વાળા સામે કેસ અને ૯૯% વાળાને મુક્તિ? તપાસ અધિકારીના વલણ સામે ન્યાયાધીશે કડક સવાલો ઉઠાવ્યા; સસ્પેન્ડેડ તહસીલદારની અરજી પર મહત્વની સુનાવણી

મુંબઈ, તા.૦૧: પુણેના ચર્ચિત મુંધવા જમીન સોદા કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર સરકાર અને રાજ્ય પોલીસની તપાસ શૈલી સામે ભારે નારાજગી વ્યક્ત કરતા તીખા સવાલો કર્યા છે. જસ્ટિસ માધવ જામદારે સસ્પેન્ડેડ તહસીલદાર સૂર્યકાંત યેવલેની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મૌખિક ટિપ્પણીમાં પૂછ્યું હતું કે, જે કંપનીમાં ૯૯ ટકા હિસ્સો છે તેવા ડેપ્યુટી સીએમના પુત્ર પાર્થ પવારનું નામ FIR માં આરોપી તરીકે કેમ સામેલ કરવામાં આવ્યું નથી? અદાલતે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિવાદિત ૪૦ એકર સરકારી જમીનની ખરીદીમાં માત્ર ૧ ટકા શેર ધરાવનાર સામે કાર્યવાહી થાય અને ૯૯ ટકાના મુખ્ય ભાગીદારને બાદ રાખવામાં આવે તે કઈ રીતની નિષ્પક્ષ તપાસ છે?

 

આ ચર્ચિત કેસ પુણેના મુંધવા વિસ્તારમાં આવેલી ‘મહાર વતન’ કેટેગરીની ૪૦ એકર સરકારી જમીન અનધિકૃત રીતે ખરીદવા સાથે સંકળાયેલો છે. આ જમીન ઐતિહાસિક રીતે અનુસૂચિત જાતિના મહાર સમુદાયને ફાળવવામાં આવી હતી અને સરકારની પૂર્વ મંજુરી વગર તેનું વેચાણ અશક્ય હતું. તેમ છતાં, 'અમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપી' નામની કંપનીએ રૂ. ૩૦૦ કરોડના અંદાજિત મૂલ્યની આ જમીન કથિત રીતે પાણીના ભાવે ખરીદી લીધી હતી, જેમાં આશરે રૂ. ૨૧ કરોડની સ્ટેમ્પ ડ્યુટી માફીનો પણ ગેરકાયદે લાભ લેવામાં આવ્યો હોવાનો આરોપ છે.

 

સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ માધવ જામદારે તપાસ અધિકારી (IO) ની ભૂમિકા સામે ગંભીર શંકા વ્યક્ત કરી હતી. તેમણે અવલોકન કર્યું હતું કે કંપનીમાં ૧ ટકા હિસ્સો ધરાવતા દિગ્વિજય પાટિલને આરોપી બનાવવામાં આવ્યા છે, પરંતુ ૯૯ ટકા શેરહોલ્ડર પાર્થ પવારને મુક્ત રાખવામાં આવ્યા છે. ન્યાયાધીશે સવાલ કર્યો કે, "શું ૯૯ ટકા શેર ધરાવનાર વ્યક્તિ આ કરોડોના વ્યવહારના મુખ્ય લાભાર્થી નથી? તપાસ અધિકારી એવું સોગંદનામું કેવી રીતે કરી શકે કે મુખ્ય શેરહોલ્ડર જવાબદાર નથી?"

 

મુંધવા સ્થિત આ પ્લોટ અગાઉ 'બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા' ને લીઝ પર આપવામાં આવ્યો હતો અને તે સંપૂર્ણપણે સરકારી માલિકી હેઠળ આવતો હતો. કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને મહેસૂલ અધિકારીઓની મિલીભગતથી આ જમીન ખાનગી કંપનીના નામે ટ્રાન્સફર કરવાનો મોટો ખેલ રચવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

 

આ કેસમાં અગાઉ સસ્પેન્ડેડ તહસીલદાર સૂર્યકાંત યેવલે સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગની ફરિયાદ નોંધવામાં આવી હતી. મહેસૂલ વિભાગના આ ચર્ચિત જમીન કૌભાંડમાં ભૂતકાળમાં પણ અનેક સ્તરે કાગળોની હેરાફેરી અને સ્ટેમ્પ ડ્યુટી ચોરીની તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

હાઈકોર્ટની આકરી ટિપ્પણી બાદ હવે મહારાષ્ટ્ર સરકાર અને તપાસ ટીમ માટે પાર્થ પવાર સામે કાનૂની શંકાઓ દૂર કરવી પડકારજનક બની ગઈ છે. અદાલતે સમગ્ર તપાસમાં પારદર્શિતા લાવવા અને મુખ્ય લાભાર્થીઓની ભૂમિકા સ્પષ્ટ કરવા સંકેત આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં આ જમીન કૌભાંડમાં વધુ મોટા ધડાકા થવાની અને નવી ધરપકડો થવાની શક્યતા વધી ગઈ છે.

(5:54 PM IST)