<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

બલૂચિસ્તાનમાં લોહિયાળ જંગ: BLAના ફિલ્મી અંદાજવાળા વીડિયોથી પાકિસ્તાની સેના હચમચી, ૨૫ સૈનિકો ઠાર

ઝિયારત અને સુરાબમાં ઘાત લગાવીને કરાયેલા બે ભીષણ હુમલામાં લશ્કરી વાહનો ખાક; સેનાના કમાન્ડર મુનીરને સીધી ચેલેન્જ આપતા ખળભળાટ

ક્વેટા : અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બે અલગ-અલગ સ્થળોએ ઘાત લગાવીને કરેલા ભીષણ હુમલાઓમાં પાકિસ્તાની સેનાના કુલ ૨૫ જવાનો ઠાર થયા હોવાનો દાવો કરતાની સાથે જ એક અત્યંત નાટકીય અને ફિલ્મી શૈલીનો વીડિયો જાહેર કર્યો છે, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે.

બીએલએના સત્તાવાર મીડિયા આઉટલેટ 'હક્કલ' દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં સળગતા લશ્કરી ટ્રકો, વિસ્ફોટો, ગોળીબાર અને સૈનિકોના વિખરાયેલા મૃતદેહો સ્પષ્ટપણે નજરે પડે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બીએલએની વિશેષ લડાયક યુનિટ 'ફતેહ સ્કવોડ' દ્વારા ઝિયારત ક્રોસ ખાતે પાકિસ્તાની સેનાના કાફલા પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે લશ્કરી વાહનો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા અને ૧૮ સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે સશસ્ત્ર લડવૈયાઓએ ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો પણ લૂંટી લીધો હતો.

આ ઉપરાંત, સુરાબના હાજિકા વિસ્તારમાં બીએલએની એસટીઓએસ (STOS) યુનિટ દ્વારા રિમોટ-કંટ્રોલ વાહન વડે કરવામાં આવેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાકિસ્તાની સેનાના વધુ ૭ જવાનો મોતને ભેટ્યા હતા, જ્યારે હુમલા બાદ પાકિસ્તાની સેના દ્વારા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયો અને મૃતકોના મૃતદેહો રાતના અંધારામાં ગુપચુપ રીતે તેમના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવી રહ્યા હોવાની વાતો સામે આવી રહી છે.

દાયકાઓથી બલૂચ જૂથો દ્વારા પાકિસ્તાન સરકાર અને સૈન્ય પર માનવાધિકારના ગંભીર ઉલ્લંઘન તેમજ બળજબરીપૂર્વક લોકોને ગુમ કરવાના અત્યાચારોના આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ પણ મસ્તુંગ, સિબી, ક્વેટા અને કલાત જિલ્લામાં વળતા પ્રહાર રૂપે દરોડા પાડીને લગભગ ૫૦ બળવાખોરોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો કર્યો છે, જેને કારણે આગામી સમયમાં આ ક્ષેત્રમાં હિંસા વધુ ઉગ્ર બનવાના ભય વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે.

(10:49 AM IST)