તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 19th June 2026
કર્ણાટક વિધાન પરિષદ ચૂંટણીમાં ડીકે શિવકુમારનો મોટો દાવ : વિપક્ષી છાવણીમાં ગાબડું પાડી કોંગ્રેસે ૭ માંથી ૫ બેઠકો કબજે કરી
ભાજપ અને જેડીએસના ધારાસભ્યો દ્વારા ‘ક્રોસ વોટિંગ’ કરાયાની ચર્ચા વચ્ચે કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારો વિજયી : જેડીએસના ગોવિંદરાજુને પરાજયનો સામનો કરવો પડ્યો

બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં ડીકે શિવકુમારના મુખ્યમંત્રી બન્યા બાદ યોજાયેલી પ્રથમ મોટી ચૂંટણી લડાઈમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષે શાનદાર પ્રદર્શન કરીને વિપક્ષી છાવણીને મોટો આંચકો આપ્યો છે. ગુરુવારે (૧૮ જૂન ૨૦૨૬) જાહેર થયેલા કર્ણાટક વિધાન પરિષદ (MLC) ની સાત બેઠકોના પરિણામોમાં કોંગ્રેસે પાંચ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ ભાજપે બે બેઠકો જીતી છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ચૂંટણીમાં ભાજપ અને જેડીએસ (JDS) બંને પક્ષના ધારાસભ્યો દ્વારા મોટા પાયે ‘ક્રોસ-વોટિંગ’ કરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવારોને ધારણા કરતાં ઘણા વધારે મતો મળ્યા છે. કર્ણાટક વિધાનસભાના સભ્યોએ વિધાનસૌધ ખાતે આ ચૂંટણી માટે મતદાન કર્યું હતું, જેમાં સાત બેઠકો માટે કુલ આઠ ઉમેદવારો મેદાનમાં ઉતારાયા હતા.
આ ઉમેદવારો વચ્ચે જામ્યો હતો ચૂંટણી જંગ:
આ હાઈ-પ્રોફાઈલ ચૂંટણીમાં જે ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા હતા તેમાં કોંગ્રેસ તરફથી થિપ્પન્નપ્પા કામકનૂર, પીવી મોહન, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બીકે હરિપ્રસાદ, શિવન્ના બી એસ અને વિનય કાર્તિક પ્રકાશનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપ તરફથી લિંગરાજ પાટીલ અને રઘુ આર મેદાનમાં હતા અને જેડીએસ તરફથી ગોવિંદરાજુ ચૂંટણી લડી રહ્યા હતા. પરિણામો જાહેર થતાં જ કોંગ્રેસના તમામ પાંચેય ઉમેદવારો અને ભાજપના બંને ઉમેદવારોએ વિજય મેળવી લીધો છે, જ્યારે જેડીએસના એકમાત્ર ઉમેદવાર ગોવિંદરાજુને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વિધાન પરિષદના સાત સભ્યોનો કાર્યકાળ આગામી ૩૦ જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો હોવાથી આ ચૂંટણી યોજવી અનિવાર્ય બની હતી. નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કોંગ્રેસના નસીર અહેમદ, ટિપ્પન્નાપ્પા અને બીકે હરિપ્રસાદ, ભાજપના એન. નાગરાજુ (એમટીબી), પ્રતાપ એસ. નાયક કે. અને સુનીલ વલ્લયાપુર તેમજ જેડીએસના ગોવિંદરાજુ સામેલ છે.
ડીકે શિવકુમારે ક્રોસ વોટિંગના દાવાને નકારી કાઢ્યો:
ચૂંટણી પરિણામો અને ક્રોસ વોટિંગની અટકળો વચ્ચે મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિધાન પરિષદ ચૂંટણીમાં સંભવિત ક્રોસ વોટિંગની આશંકાઓને સત્તાવાર રીતે ફગાવી દીધી છે. તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ પક્ષે આવી કોઈ વિશિષ્ટ વ્યુહરચના બનાવી ન હતી અને તેમને મતદાન કરનારા ધારાસભ્યોના વિવેકબુદ્ધિ પર સંપૂર્ણ ભરોસો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'આ એક ગુપ્ત મતદાન પ્રક્રિયા આધારિત ચૂંટણી હોવાથી ક્રોસ વોટિંગને લઈને અત્યારથી જ કોઈ અટકળો લગાવવી યોગ્ય નથી. અમે ક્રોસ વોટિંગમાં સામેલ થવા માંગતા નથી અને અમને તેના વિશે કોઈ ચોક્કસ માહિતી પણ નથી.'
તેઓએ વધુમાં ઉમેર્યું કે, છેલ્લા બે દિવસથી તેઓ ધારાસભ્યો સાથે બેઠકો યોજી રહ્યા હતા, પરંતુ તેનો ઉદ્દેશ્ય કોઈ રાજકીય મેનેજમેન્ટ કરવાનો ન હતો, પરંતુ માત્ર ધારાસભ્યોને જટિલ મતદાન પ્રક્રિયા યોગ્ય રીતે સમજાવવાનો હતો. કર્ણાટકમાં આ પ્રકારની પસંદગી આધારિત મતદાન પ્રણાલી ખૂબ જ જટિલ હોય છે અને આ વખતે ગૃહમાં આશરે ૬૦ થી ૭૦ ધારાસભ્યો એવા છે જેઓ પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે. આવા સંજોગોમાં ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી એક નાની ભૂલ પણ તેમના કિંમતી મતપત્રને અમાન્ય (ઇનવેલિડ) બનાવી શકે છે, જેથી માત્ર તાલીમ આપવાના હેતુથી જ બેઠકો બોલાવવામાં આવી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
