તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 22nd June 2026
પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારનું ૪.૩૮ લાખ કરોડનું ઐતિહાસિક બજેટ: સીએમ શુભેન્દુ અધિકારી બોલ્યા- "હવે વિપક્ષ પાસે બોલવા માટે કંઈ બાકી નથી રહ્યું!"
સરકારી કર્મચારીઓના DA માં ૨૦% નો તોતિંગ વધારો, મહિલાઓને માસિક ₹૩૦૦૦ અને બેરોજગાર સ્નાતકોને ભથ્થું: કલ્યાણીમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે અને ઉત્તર બંગાળમાં IIT-IIM ની સ્થાપના કરાશે

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નવી દિલ્હીની તર્જ પર ભાજપ સરકાર દ્વારા પોતાનું પ્રથમ અને અત્યાર સુધીનું સૌથી ક્રાંતિકારી નાણાકીય વર્ષ ૨૦y૬-૨૭ નું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી સ્વપ્ન દાસગુપ્તા દ્વારા રજૂ કરાયેલા કુલ ₹૪,૩૮,૭૭૫.૨૯ કરોડના આ ઐતિહાસિક બજેટની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. બજેટ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ બજેટને રાજ્યની ખોવાયેલી સંસ્કૃતિ, ગૌરવ અને અર્થતંત્રને પુનઃસ્થાપિત કરવાનો એક ભગીરથ પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, "નાણામંત્રીએ જે રીતે સર્વગ્રાહી બજેટ રજૂ કર્યું છે, તે જોયા પછી મને નથી લાગતું કે હવે વિપક્ષ પાસે ટીકા કરવા માટે કોઈ મુદ્દો કે શબ્દ બાકી રહ્યો હોય."
આ બજેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા જ મોટી લોટરી લાગી છે. સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં ૨૦ ટકાનો જંગી વધારો કરવાની જાહેરાત કરી છે, જેને પગલે હવે કુલ DA વધીને ૩૮ ટકા થઈ જશે. આ નવો વધારો ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. કેન્દ્ર સમાન ડીએ આપવાના વચન અંગે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, "અમારી સરકારને થોડો સમય આપો, અમે બાકી રહેલા ૨૨ ટકાના તફાવતને પણ પૂરો કરવા માટે કટિબદ્ધ છીએ." આ ઉપરાંત 'અન્નપૂર્ણા યોજના' હેઠળ રાજ્યની મહિલાઓને હવે દર મહિને ₹૩,૦૦૦ નું આર્થિક ભથ્થું આપવામાં આવશે, જ્યારે ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે અપરિણીત વિદ્યાર્થીનીઓને ₹૫૦,૦૦૦ ની વન-ટાઇમ સહાય આપવાની જાહેરાત કરાઈ છે.
બજેટમાં બેરોજગાર યુવાનો અને મીડિયા જગત માટે પણ સરકારે તિજોરીના દ્વાર ખોલી દીધા છે. જે અંતર્ગત ૨૧ થી ૪૫ વર્ષની વયના બેરોજગાર સ્નાતકો (ગ્રેજ્યુએટ્સ) ને દર મહિને ₹૩,૦૦૦ નું ભથ્થું અપાશે, જ્યારે અન્ય બેરોજગારોને ₹૨,૦૦૦ માસિક આપવામાં આવશે. જોકે, આ યોજનાનો લાભ ₹૧,૦૦,૦૦૦ થી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોના યુવાનોને જ મળશે. આ સાથે જ લોકશાહીના ચોથા સ્તંભ સમાન નિવૃત્ત પત્રકારો માટે માસિક ₹૫,૦૦૦ ના પેન્શનની નવી યોજના પણ જાહેર કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે મોટો બૂસ્ટર ડોઝ આપતા કેન્દ્ર સરકારની મદદથી ઉત્તર બંગાળમાં આઇઆઇટી (IIT) અને આઇઆઇએમ (IIM) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે બંગાળને વૈશ્વિક નકશા પર ચમકાવવા માટે કોલકાતા નજીક આવેલા કલ્યાણીમાં ૧,૦૦૦ થી ૧,૫૦૦ એકર જમીન પર એક નવું આધુનિક 'ગ્રીનફિલ્ડ એરપોર્ટ' બનાવવામાં આવશે. કોલકાતા એરપોર્ટ પર મુસાફરોની વધતી ભીડને જોતા આ નિર્ણય લેવાયો છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વેગ આપવા માટે રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય મ્યુઝિયમ (સંગ્રહાલય) ની સ્થાપના કરાશે, તેમજ ૬ જુલાઈના રોજ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસને રાજ્યમાં સત્તાવાર સરકારી રજા તરીકે જાહેર કરવામાં આવી છે. સીએમ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે આ બજેટ સુરક્ષા, કાયદો-વ્યવસ્થા, સંસ્કૃતિ, શિક્ષણ અને કૃષિના પાંચ મજબૂત સ્તંભો પર આધારિત છે, જે સિન્ડિકેટ રાજ અને ગેરકાયદે વસૂલી નાબૂદ કરી ભયમુક્ત બંગાળનું નિર્માણ કરશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
