તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Monday, 14th September 2026
બિહાર વિધાન પરિષદ ચૂંટણી 2026: 30 જિલ્લા અને 150 બેઠકો પર રાજકીય સંગ્રામ, પ્રશાંત કિશોરની એન્ટ્રીથી સમીકરણો બદલાયા
ચાર સ્નાતક અને ચાર શિક્ષક બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં RJD, JDU અને NDAમાં ખેંચતાણ; 16 નવેમ્બરે વર્તમાન સભ્યોની મુદત પૂરી થતા ચૂંટણી ગરમાઈ

પટના, તા.14: બિહારના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો સંગ્રામ ખેલાવા જઈ રહ્યો છે. વિધાન પરિષદ (MLC)ની 8 મહત્ત્વની બેઠકો – જેમાં 4 સ્નાતક (Graduate) અને 4 શિક્ષક (Teacher) મતવિસ્તારનો સમાવેશ થાય છે – તેની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જોકે આ ચૂંટણી માત્ર 8 બેઠકો પૂરતી મર્યાદિત નથી, પણ તેની સીધી અસર બિહારના 30 જિલ્લાઓ અને આશરે 150 વિધાનસભા ક્ષેત્રોના મતદારો પર પડવાની છે. વર્તમાન MLC સભ્યોનો ટર્મ 16 નવેમ્બર, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આગામી અઠવાડિયામાં ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.
આ વખતની MLC ચૂંટણી ભૂતકાળ કરતાં સાવ અલગ અને રોમાંચક બની રહી છે, કારણ કે 'જન સૂરજ' પાર્ટીના વડા પ્રશાંત કિશોર (PK) આ ચૂંટણી જંગમાં સીધા ઝંપલાવી રહ્યા છે. બાંકીપુરના ધારાસભ્ય અને વ્યૂહરચનાકાર PKની સક્રિયતાને કારણે પરંપરાગત વોટબેંકમાં મોટું વિભાજન થવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી સત્તાધારી અને વિપક્ષ બંનેના સમીકરણો ખોરવાયા છે.
ચૂંટણી પહેલાં જ રાજકીય ગઠબંધનોમાં તિરાડ અને મતભેદ સપાટી પર આવ્યા છે. વિપક્ષી મહાગઠબંધનમાં RJDએ કૉંગ્રેસને કહ્યા વગર જ 6 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેતાં કૉંગ્રેસ કેમ્પમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, NDA ગઠબંધનમાં પણ બધું બરાબર નથી ચાલી રહ્યું; મોકામાના ધારાસભ્ય અનંત સિંહે પક્ષના નિર્ણયથી અલગ જઈને અનુજ સિંહને ખુલ્લું સમર્થન આપીને આંતરિક મતભેદો બહાર આણ્યા છે.
કઈ આઠ બેઠકો પર ખેલાશે ખરાખરીનો જંગ?
૧. સ્નાતક (Graduate) મતવિસ્તારો:
- પટણા: JDUના નીરજ કુમાર અહીંથી સતત ત્રણ વાર જીતીને હેટ્રિક ફટકારી ચૂક્યા છે. પટણા, નાલંદા અને નવાદાના 25 વિધાનસભા ક્ષેત્રો ધરાવતી આ બેઠક પર પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવો નીરજ કુમાર માટે મોટો પડકાર રહેશે.
- તિરહુત: દેવેશ ચંદ્ર ઠાકુર MP બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના પર 2024ની પેટાચૂંટણીમાં અપક્ષ બંશીધર વ્રજવાસી વિજેતા બન્યા હતા. મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર (28 વિધાનસભા) વિસ્તારમાં આ વખતે મુકાબલો કડક બનશે.
- કોસી: 14 જિલ્લાઓ અને 64 વિધાનસભા બેઠકોને આવરી લેતો આ સૌથી મોટો ગ્રેજ્યુએટ મતવિસ્તાર છે, જ્યાં હાલ ભાજપના એન.કે. યાદવ કબ્જો ધરાવે છે.
- દરભંગા: દરભંગા, મધુબની, સમસ્તીપુર અને બેગુસરાય (37 વિધાનસભા)નો સમાવેશ કરતી આ બેઠક પર હાલ અપક્ષ સર્વેશ કુમાર કબ્જો ધરાવે છે, જેમને આ વખતે રાજકીય પક્ષોના મજબૂત ઉમેદવારો તરફથી આકરી ટક્કર મળશે.
૨. શિક્ષક (Teacher) મતવિસ્તારો:
- પટણા: પ્રો. નવલ કિશોર યાદવ (ભાજપ) - ભાજપ છેલ્લા ત્રણ દાયકાથી આ બેઠક પર પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
- દરભંગા: ડૉ. મદન મોહન ઝા (કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ).
- સરન: અફાક અહેમદ (અપક્ષ).
- તિરહુત: સંજય કુમાર સિંહ (CPI-M).
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ની ચૂંટણીમાં 25 સપ્ટેમ્બરે શિડ્યુલ જાહેર થયું હતું અને 22 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. આ વખતે પણ સપ્ટેમ્બરના અંત સુધીમાં શિડ્યુલ જાહેર થઈને ઓક્ટોબરના અંતમાં મતદાન થાય તેવી પૂરી સંભાવના છે. પક્ષીય ખેંચતાણ અને પ્રશાંત કિશોરની એન્ટ્રી વચ્ચે આ આઠેય બેઠકો પરનો જંગ બિહારના આગામી રાજકારણની દિશા નક્કી કરશે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
