તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 7th July 2026
બિહાર ચૂંટણી સંગ્રામ : ભાજપે બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે અભિષેક કુમારના નામની સત્તાવાર જાહેરાત કરી : દિલ્હી હાઈકમાન્ડે મોહર લગાવી
આરજેડીના રેખા કુમારી ગુપ્તા અને જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર મેદાનમાં ઉતરતા બાંકીપુરમાં ત્રિપાંખીયો જંગ જામશે : નીતિન નવીને બેઠક ખાલી કરતા યોજાઈ રહી છે પેટાચૂંટણી

પટના: બિહારના રાજકારણમાં આગામી સમયમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા બાંકીપુર વિધાનસભા બેઠકની હાઈ-પ્રોફાઈલ પેટાચૂંટણી માટે અભિષેક કુમારને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા લાંબી વિચારણા બાદ તેમના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. આ જાહેરાત બાદ પાટનગર પટના સહિત સમગ્ર બિહારના રાજકીય વર્તુળોમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) દ્વારા આ બેઠક પરથી શ્રીમતી રેખા કુમારી ગુપ્તાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આરજેડીની આ જાહેરાતના બરાબર એક દિવસ બાદ જ ભાજપે અભિષેક કુમારના નામની જાહેરાત કરીને ચૂંટણી જંગને વધુ રસપ્રદ અને આક્રમક બનાવી દીધો છે. બાંકીપુર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાતી હોવાથી આ વખતે પક્ષે સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નવો ચહેરો પસંદ કર્યો છે.
આ હાઈ-સ્ટેક પેટાચૂંટણી યોજવાની ફરજ એટલા માટે પડી છે કારણ કે ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય નીતિન નવીને રાજ્યસભામાં ચૂંટાયા બાદ આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે બેઠક ખાલી કરતા જ આ વિસ્તારમાં ફરીથી ચૂંટણીનો બ્યુગલ ફૂંકાયો છે. આ બેઠક જાળવી રાખવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે.
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અભિષેક કુમારને ઉમેદવાર જાહેર થવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અભિષેક કુમારનું નેતૃત્વ, સમર્પણ અને જનસેવાનો સંકલ્પ બાંકીપુરની જનતાના આશીર્વાદ મેળવશે અને તેઓ વિકાસ તેમજ સુશાસનની રાજનીતિને આગળ ધપાવીને ઐતિહાસિક વિજય મેળવશે.
આ વખતનો જંગ માત્ર ભાજપ અને આરજેડી વચ્ચે જ નથી, પરંતુ જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર પણ આ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરીને પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જન સુરાજ પાર્ટીના પ્રદેશ પ્રમુખ મનોજ ભારતીએ કોર કમિટીની બેઠક બાદ પ્રશાંત કિશોરના નામે લડવાની જાહેરાત કરી હતી. આ સાથે જ જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવે પણ સામાજિક કાર્યકર્તા વીણા માનવીને મેદાનમાં ઉતાર્યા છે, જેનાથી બાંકીપુરમાં જબરદસ્ત બહુકોણીય મુકાબલો જોવા મળશે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
