News of Saturday, 11th April 2026
સલમાન ખાનની 'માતૃભૂમિ'માં મોટો ખેલ: ચીનનું નામ હટાવવા માટે ૪૦% ફિલ્મ ફરીથી શૂટ કરાઈ!
'બેટલ ઓફ ગલવાન'માંથી નામ બદલીને 'મધરલેન્ડ' કરાયા બાદ હવે સ્ક્રિપ્ટમાં ધરખમ ફેરફાર: આંતરરાષ્ટ્રીય વિવાદ ટાળવા માહિતી મંત્રાલયના આદેશ પર અપૂર્વ લાખિયાએ બદલી નાખી વાર્તા, જાણો હવે શું નવું જોવા મળશે?

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મધરલેન્ડ' અત્યારે ફિલ્મી પડદા પર આવતા પહેલા જ વિવાદોના વંટોળમાં ફસાઈ છે. જે ફિલ્મની વાર્તા ૨૦૨૦ના ભારત-ચીન વચ્ચેના ગલવાન સંઘર્ષ પર આધારિત હતી, તેનું નામ પહેલા 'બેટલ ઓફ ગલવાન' હતું, પણ રાજદ્વારી ગૂંચવણોને કારણે હવે તે 'મધરલેન્ડ' બની ગઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે, માત્ર નામ જ નહીં પરંતુ ફિલ્મનો લગભગ ૪૦ ટકા હિસ્સો ફરીથી શૂટ કરવો પડ્યો છે. મંત્રાલયના આદેશ બાદ ડાયરેક્ટર અપૂર્વ લાખિયાએ વાસ્તવિક ઘટનાઓને કાલ્પનિક પૃષ્ઠભૂમિમાં ઢાળવી પડી છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ નવો વિવાદ ન જન્મે.
સૌથી મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે ફિલ્મમાંથી 'ચીન' શબ્દ જ ગાયબ કરી દેવામાં આવ્યો છે. હવે ફિલ્મમાં સંઘર્ષ તો જોવા મળશે, પરંતુ દુશ્મન દેશનું કોઈ સ્પષ્ટ નામ લેવામાં આવશે નહીં. આ ફેરફારને કારણે વાર્તામાં દેશભક્તિના જજબાની સાથે સાથે હવે સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ વચ્ચેના રોમેન્ટિક સીન્સ અને ભાવનાત્મક ડ્રામાનો ડોઝ વધારવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મને વધુ કમર્શિયલ અને સુરક્ષિત બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે, જેથી સેન્સર બોર્ડમાં ફિલ્મ અટવાય નહીં અને દર્શકોને પણ મનોરંજન મળી રહે.
ફિલ્મની રિલીઝ ડેટને લઈને પણ ફેન્સમાં ભારે મડાગાંઠ સર્જાઈ છે. પહેલા આ ફિલ્મ એપ્રિલ કે મે ૨૦૨૬માં રિલીઝ થવાની હતી, પરંતુ વારંવારના રિ-શૂટિંગને કારણે હવે તે પાછી ઠેલવામાં આવી છે. નવા અહેવાલો મુજબ, મેકર્સ હવે આ ફિલ્મને સ્વતંત્રતા દિવસના અવસરે એટલે કે ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. જોકે, ફિલ્મને હજુ અંતિમ મંજૂરી મળવાની બાકી છે, પણ ભાઈજાનના ચાહકો માટે આ ફિલ્મ તેની એક્શન અને નવા અવતારને કારણે ચોક્કસપણે ઉત્તેજના જગાવી રહી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
