તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Tuesday, 21st July 2026
પંજાબ પોલીસની મોટી સફળતા: ટ્રેનને ઉડાવી દેવાનું આતંકી કાવતરું નિષ્ફળ, UK માં બેઠેલા આકાઓનું નેટવર્ક બરબાદ કરી ૧૭ આતંકીઓની ધરપકડ!
ફિરોઝપુર-જમ્મુ પેસેન્જર ટ્રેનમાં IED બ્લાસ્ટ કરવાની હતી યોજના: મોગા ગ્રેનેડ હુમલાની તપાસમાં વિદેશી હેન્ડલરના ભયાનક આતંકી મોડ્યુલનો પર્દાફાશ

ચંદીગઢ : પંજાબ પોલીસે દેશમાં એક મોટી ત્રાસવાદી દુર્ઘટના ટાળીને મંગળવારે આતંકવાદી નેટવર્કનો ભયાનક પર્દાફાશ કર્યો છે. પોલીસે ફિરોઝપુરથી જમ્મુ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનને આઈઈડી (IED) વિસ્ફોટક વડે નિશાન બનાવવાની નાપાક યોજનાને સમયસર નિષ્ફળ બનાવીને ૧૭ આંતકી કાર્યકરોની ધરપકડ કરી લીધી છે.
આ સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપતાં ફરીદકોટ રેન્જના આઈજીપી નીલાંબરી જગદલે વિજયે જણાવ્યું હતું કે, આ મોડ્યુલના તાર હાલ યુનાઇટેડ કિંગડમ (UK) માં રહેતા આકા ઇકબાલ સિંહ ઉર્ફે રવિ ધાલીવાલ સાથે જોડાયેલા છે. યુકેમાં બેસીને તે પંજાબમાં આતંકી હુમલાઓ કરાવવા અને સ્થાનિક યુવકોને નાણાકીય તથા લોજિસ્ટિક સહાય પૂરી પાડીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો.
મોગા ગ્રેનેડ હુમલાથી ખુલ્યું મોડ્યુલનું નેટવર્ક
આ સમગ્ર કાવતરાની કડીઓ ૮ જુલાઈના રોજ મોગાના સદર પોલીસ સ્ટેશન પર થયેલા લો-ઇન્ટેન્સિટી ગ્રેનેડ હુમલાથી ખુલી હતી. તપાસ એજન્સીઓએ ટેકનિકલ દેખરેખ અને ગુપ્ત બાતમીના આધારે પહેલા ત્રણ મુખ્ય આરોપીઓ—ગગન ઉર્ફે કાલી, રાજેશ ઉર્ફે ખન્ના અને શુભમ ઉર્ફે ભિંડરની કડક પૂછપરછ કરી હતી. તેમની પૂછપરછમાં નેટવર્કના અન્ય ૧૪ સાથીઓ (જેમાં કુલજીત કૌર, લાઝર ઉર્ફે અમન અને પ્રવીણ કૌર પણ સામેલ છે) ના નામો ખુલી આવ્યા હતા.
IED, ગ્લોક પિસ્તોલ અને ગેરકાયદે હથિયારો જપ્ત
દરોડા દરમિયાન સેના અને પોલીસે આતંકીઓ પાસેથી એક જીવંત IED વિસ્ફોટક, 9 mm ગ્લોક પિસ્તોલ, મેગેઝિન અને ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ જપ્ત કરી છે. પંજાબ પોલીસે આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને UAPA ના કડક કાયદા હેઠળ કેસ નોંધીને તમામ ૧૭ આરોપીઓને રિમાન્ડ પર લીધા છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
