<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મેઘાલયની રાજનીતિમાં મોટા ધડાકા: UDPના ૮ ધારાસભ્યોએ ભાજપ સાથે વિલીનીકરણ માટે વિધાનસભામાં પત્ર સોંપ્યો, ભાજપનું બળ વધશે!

દિલ્હીમાં કેસરીયા ધારણ કર્યા બાદ હવે વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયા શરૂ: સ્પીકરની ગેરહાજરીમાં કાગળો સુપરત કરાયા, મંજૂરી મળતાં જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૦ થશે

શિલોંગ : મેઘાલયના રાજકારણમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયેલા યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP) ના ૮ ધારાસભ્યોએ હવે કાયદાકીય રીતે પોતાના જૂથનું ભાજપમાં વિલીનીકરણ (Merger) કરવા માટે મેઘાલય વિધાનસભામાં સત્તાવાર પત્ર સુપરત કર્યો છે. શુક્રવારે તમામ જરૂરી બંધારણીય દસ્તાવેજો સાથે વિધાનસભા સચિવાલયમાં આ અરજી જમા કરાવવામાં આવી હતી.

 

સ્પીકરની ગેરહાજરીમાં કાયદાકીય સલાહકારને દસ્તાવેજો સુપરત કરાયા

 

વિધાનસભાના સ્પીકર થોમસ એ. સંગમા હાલમાં વિદેશ પ્રવાસે હોવાથી, આ વિલીનીકરણ અંગેનો પત્ર વિધાનસભાના કાયદાકીય બાબતોના સલાહકાર એન્ડ્રુ સિમોન્સને સોંપવામાં આવ્યો હતો. દસ્તાવેજો જમા કરાવતી વખતે સાત ધારાસભ્યો રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે એક ધારાસભ્ય મેયરલબોર્ન સિયેમ ગેરહાજર હોવા છતાં તેમના કાગળો પણ વિધિવત રીતે સુપરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રિકમેન જી. મોમિન અને ભાજપના ધારાસભ્ય સાનબોર શુલાઈ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

 

વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૦ થવાની શક્યતા

 

જો વિધાનસભા સ્પીકર દ્વારા બંધારણીય નિયમો અને જોગવાઈઓ અનુસાર આ વિલીનીકરણને મંજૂરી આપવામાં આવશે, તો ૬૦ સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૨ થી સીધી વધીને ૧૦ થઈ જશે. નોંધનીય છે કે, UDP ના કુલ ધારાસભ્યોમાંથી ૪ ધારાસભ્યો આ જૂથથી અલગ રહ્યા છે, જેથી વિધાનસભા સચિવાલય અને સ્પીકર તમામ પાસાઓની તપાસ કર્યા બાદ જ આખરી આદેશ પસાર કરશે. હાલમાં રાજ્યમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ની આગેવાની હેઠળની સરકારમાં ભાજપ અને UDP બંને ભાગીદાર પક્ષો છે.

 

(9:03 PM IST)