News of Tuesday, 15th September 2026
ગુડગાંવ હિટ એન્ડ રન કેસમાં મોટો ઘટસ્ફોટ! મહિલા બાઇકરને જાનથી મારી નાખવાનો હતો આરોપીનો ઈરાદો: ડીસીપી સંદીપ કુમાર
ગોલ્ફ કોર્સ રોડ પર મહિલા રાઇડરની બાઇકને ટક્કર મારનાર કલ્યાણ સિંહ બૈંસલા અને તેના કૌટુંબિક ભાઈ લવિશની રાજસ્થાનથી ધરપકડ; સીસીટીવી અને વિડીયોના આધારે હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઈ

ગુડગાંવ, તા.૧૫: હરિયાણાના ગુડગાંવના પોશ ગોલ્ફ કોર્સ રોડ પર મહિલા બાઇકર સાથે થયેલા ભયાનક હિટ એન્ડ રન કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુડગાંવના ડીસીપી સંદીપ કુમારે મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, કાર ચાલક મુખ્ય આરોપી કલ્યાણ સિંહ બૈંસલાનો ઈરાદો મહિલા બાઇકરને માત્ર ટક્કર મારવાનો નહીં પરંતુ તેની હત્યા કરવાનો જ હતો. વાયરલ વિડીયો અને પીડિતાના નિવેદનના આધારે પોલીસે હવે આ કેસમાં હત્યાના પ્રયાસ (Attempt to Murder) સહિતની અત્યંત કડક કલમો ઉમેરી દીધી છે.
ઘટનાની વિગતો મુજબ, 'સિયા' નામે ઓળખાતી મહિલા બાઇકર પોતાની સ્પોર્ટ્સ બાઇક પર સાથીદારો સાથે જઈ રહી હતી ત્યારે આરોપીએ કારથી તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ મહિલા પ્રત્યે અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી અને દારૂના નશામાં તેની બાઇકને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા રાઇડરે તેને દૂર રહેવાનો ઈશારો કર્યો હોવા છતાં, કલ્યાણે જાણીજોઈને પોતાની કાર બાઇક સાથે જોરદાર ધડાકાભેર અથડાવી દીધી હતી, જેનાથી મહિલા રસ્તા પર ફેંકાઈ ગઈ હતી અને તેની બાઇક ઘસેડાતી દૂર સુધી ગઈ હતી. આ ઘાતક અકસ્માત સર્જ્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક તૌહમોતદારોને પકડવા ચક્ર ગતિમાન કર્યા હતા. ઘટના બાદ મુખ્ય આરોપી કલ્યાણ સિંહ બૈંસલા મીડિયામાં નિવેદન આપીને રાજસ્થાન ભાગી ગયો હતો, જ્યાંથી ગુડગાંવ પોલીસે તેને અને તેના કૌટુંબિક ભાઈ લવિશને દબોચી લીધા છે. ડીસીપી સંદીપ કુમારે ઉમેર્યું હતું કે ઘટના સ્થળના વિડીયો ફૂટેજમાં આરોપીએ મુશ્કેલી ઊભી કરીને જાણીજોઈને કાર અથડાવી હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને આગળની વિધિવત કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
