તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Sunday, 5th July 2026
WhatsApp માટે મોટી રાહત: કેન્દ્ર સરકારે 'યુઝરનેમ' વિવાદ પર જવાબ આપવાની મુદત વધારી
ફોન નંબર વિના ચેટિંગ કરવાના નવા ફીચરથી સાયબર ગુનાઓ અને અફવાઓ વધવાની આશંકા : માહિતી ટેકનોલોજી મંત્રાલયે પ્રશ્નો પૂછતા વોટ્સએપને હવે ૯ જુલાઈ સુધીમાં વિગતવાર ખુલાસો રજૂ કરવા સમય આપ્યો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppને તેના આગામી વિવાદાસ્પદ 'યુઝરનેમ' ફીચર અંગે રાહત આપતા સત્તાવાર જવાબ સબમિટ કરવાની સમયમર્યાદા ત્રણ દિવસ લંબાવી દીધી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા પૂછવામાં આવેલા સુરક્ષા સંબંધિત ગંભીર સવાલોનો જવાબ હવે કંપનીએ ૯ જુલાઈ સુધીમાં આપવો પડશે. ડિજિટલ સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સરકારે લીધેલા આ કડક વલણથી મેટા કંપનીમાં વચગાળાનો માર્ગ શોધવા માટે દોડધામ મચી ગઈ છે.
વોટ્સએપના આ નવા ફીચર હેઠળ યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વિના માત્ર એક અનન્ય યુઝરનેમની મદદથી અન્ય લોકો સાથે વાતચીત કરી શકશે. જો કે, પ્રથમ દ્રષ્ટિએ પ્રાઈવસી માટે આકર્ષક લાગતી આ સુવિધા સામે સરકારે ગંભીર સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી છે. સરકારી એજન્સીઓનું માનવું છે કે ફોન નંબર વગર ચેટિંગની મંજૂરી આપવાથી સાયબર સ્કેમર્સ, ગુનેગારો અને નકલી અફવાઓ ફેલાવનારા તત્વોને ટ્રેક કરવા અત્યંત મુશ્કેલ બનશે, જે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
આ ટેકનિકલ મડાગાંઠ વચ્ચે સરકાર એ જાણવા માંગે છે કે આ સુવિધા લાગુ થયા પછી વોટ્સએપ યુઝરની ઓળખ ચકાસણી અને ગુનાખોરી અટકાવવાની વ્યવસ્થા કેવી રીતે સુનિશ્ચિત કરશે. શરૂઆતમાં કંપનીએ આ મુદ્દે તાત્કાલિક સ્પષ્ટતા કરવાની હતી, પરંતુ હવે મળેલી આ મહોલતનો ઉપયોગ કરીને વોટ્સએપ ભારતીય કાયદાઓ અને સુરક્ષા માપદંડોને અનુરૂપ કોઈ ચોક્કસ વ્યુહરચના રજૂ કરે છે કે નહીં તેના પર આઈટી મંત્રાલયની નજર મંડાયેલી છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
