<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

રિલાયન્સને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત: કેમ્પા એનર્જી ડ્રિંક પરના FSSAI ના આદેશ પર હાઈકોર્ટે મુક્યો વચગાળાનો સ્ટે

નેચરલ જસ્ટિસના સિદ્ધાંતનો ઉલ્લંઘન ગણાવી કોર્ટે FSSAI ના જૂન અને જુલાઈ ૨૦૨૬ ના નિર્દેશો સ્થગિત કર્યા: 'કેમ્પા એનર્જી ડ્રિંક ગોલ્ડ બૂસ્ટ' માંથી 'એનર્જી ડ્રિંક' શબ્દ હટાવવાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

નવી દિલ્હી:  FMCG  ક્ષેત્રે ધૂમ મચાવી રહેલી રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને દિલ્હી હાઈકોર્ટ તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી કાનૂની વિજય મળ્યો છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  દ્વારા રિલાયન્સની લોકપ્રિય પ્રોડક્ટ 'કેમ્પા એનર્જી ડ્રિંક - ગોલ્ડ બૂસ્ટ' ના નામમાંથી 'એનર્જી ડ્રિંક' શબ્દ દૂર કરવા માટે જારી કરાયેલા આદેશ પર હાઈકોર્ટે વચગાળાનો સ્ટે મુકી દીધો છે. FSSAI દ્વારા ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ જારી કરાયેલા નિર્દેશ અને ત્યારબાદ ૧૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફુડ સેફ્ટી કમિશનરોને મોકલેલા પત્ર પર કોર્ટે રોક લગાવી દેતાં રિલાયન્સને માર્કેટમાં મોટી રાહત મળી છે.

દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રિલાયન્સ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ સંદીપ સેઠીએ કુદરતી ન્યાયના સિદ્ધાંતો  નો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. તેમણે અદાલતમાં દલીલ કરી હતી કે FSSAI દ્વારા આવો કડક આદેશ આપતા પહેલાં કંપનીને ન તો કોઈ 'કારણ દર્શાવો નોટિસ'  આપવામાં આવી હતી કે ન તો પોતાનો પક્ષ રજૂ કરવાની કોઈ વાજબી તક આપવામાં આવી હતી. સુનાવણી વગર જ એકતરફી નિર્ણય લેવાયો હોવાની દલીલને ગ્રાહ્ય રાખીને હાઈકોર્ટે FSSAI ના આદેશ તેમજ તેના આધારે દેશભરમાં થનારી કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે આપી દીધો હતો.

આ કેસનો વ્યાપ માત્ર એક આદેશ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ FSSAI ના ૧૭ જુલાઈના પત્રના કારણે સમગ્ર દેશના ફૂડ સેફ્ટી અધિકારીઓ સક્રિય થઈ ગયા હતા. પરંતુ હવે દિલ્હી હાઈકોર્ટના વચગાળાના સ્ટે બાદ દેશભરમાં FSSAI દ્વારા નિર્દેશિત કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે. કરંજવાલા એન્ડ કંપનીની કાનૂની ટીમની મદદથી મેળવાયેલા આ સ્ટે ઓર્ડરને કારણે 'કેમ્પા એનર્જી ડ્રિંક - ગોલ્ડ બૂસ્ટ' ના પેકેજિંગ અને બ્રાન્ડિંગ પરથી 'એનર્જી ડ્રિંક' શબ્દ હટાવવાનો FSSAI નો નિર્દેશ હાલ પૂરતો બિનઅસરકારક બની ગયો છે, જે રિલાયન્સની બ્રાન્ડ વેલ્યુ માટે મોટો વિજય માનવામાં આવે છે.

(8:01 PM IST)