News of Thursday, 30th July 2026
ઇમરાન ખાનની બહેન નૂરીન નિયાઝીને મોટી રાહત: લાહોર હાઈકોર્ટે સાયબર ક્રાઈમ કેસમાં આપ્યા રક્ષણાત્મક જામીન!
પાકિસ્તાની સેના સામે વિવાદિત ટિપ્પણી કરવા બદલ નોંધાઈ હતી FIR: ધરપકડથી બચવા એક અઠવાડિયામાં નીચલી અદાલતમાં હાજર થવા આદેશ

લાહોર : પાકિસ્તાનના જેલવાસ ભોગવી રહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન નૂરીન નિયાઝીને લાહોર હાઈકોર્ટમાંથી મોટી કાનૂની રાહત મળી છે. નેશનલ સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA) દ્વારા પાકિસ્તાન સશસ્ત્ર દળો વિરુદ્ધ "અપમાનજનક અને ઉશ્કેરણીજનક" ટિપ્પણી કરવા બદલ નોંધાયેલી FIR બાદ, હાઈકોર્ટે તેમને એક અઠવાડિયાના રક્ષણાત્મક જામીન (Protective Bail) મંજૂર કર્યા છે.
લાહોર હાઈકોર્ટના જસ્ટિસ સરદાર અકબર અલીએ નૂરીન નિયાઝીની જામીન અરજી પર સુનાવણી કરતા એજન્સીને નિર્દેશ આપ્યો હતો કે જામીનની મુદત દરમિયાન તેમની ધરપકડ કરવામાં ન આવે. આ સાથે જ કોર્ટે નિયાઝીને વચગાળાના જામીન મેળવવા માટે આગામી સાત દિવસની અંદર સંબંધિત સક્ષમ અદાલતમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. નિયાઝીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસ સંપૂર્ણપણે રાજકીય દ્વેષથી પ્રેરિત છે અને અધિકારીઓ વચગાળાની રાહત મળે તે પહેલાં જ તેમની ધરપકડ કરવાની પેરવી કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ઇન્ટરવ્યુમાં નૂરીન નિયાઝીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષ અંગે પાકિસ્તાની સેના અને નેતૃત્વ પર ગંભીર અને વિવાદિત આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ પોતાની છબી સુધારવા માટે આ સમગ્ર ઘટનાક્રમ ઊભો કર્યો હતો. આ વિવાદિત નિવેદન બાદ NCCIA એ તેમની સામે રાજ્ય અને સુરક્ષા સંસ્થાઓ વિરુદ્ધ ગભરાટ અને ખોટો પ્રચાર ફેલાવવાનો ગુનો નોંધ્યો હતો.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
