News of Monday, 12th October 2026
દુબઈ-UAE વારંવાર જતા ભારતીયો માટે મોટા આનંદના સમાચાર: સ્પોન્સર વગર મળશે ૫ વર્ષના 'મલ્ટિપલ-એન્ટ્રી' ટુરિસ્ટ વિઝા, દર વખતે ૯૦ દિવસ રોકાવાની છૂટ!
વારંવાર વિઝા અરજી કરવાની ઝંઝટમાંથી મુક્તિ: પરિવારની મુલાકાત કે વેકેશન માટે યુએઈ જતાં ભારતીય પ્રવાસીઓને થશે મોટો ફાયદો; નાણાકીય પાત્રતા અને સત્તાવાર ચેનલ દ્વારા કરાશે અરજી

દુબઈ, તા.૧૨: સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે ભારતીય પ્રવાસીઓ સહિત નિયમોનું પાલન કરતા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે એક અત્યંત રાહતરૂપ અને મહત્વનો નિર્ણય લીધો છે. યુએઈ દ્વારા ૫ વર્ષની મુદત ધરાવતા 'મલ્ટિપલ-એન્ટ્રી' ટુરિસ્ટ વિઝાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા વિઝાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ માટે કોઈપણ સ્થાનિક યુએઈ નાગરિક કે કંપનીના સ્પોન્સરશિપની જરૂર રહેશે નહીં. ભારતીય મુસાફરો હવે સ્વતંત્ર રીતે આ લાંબા ગાળાના વિઝા મેળવીને પોતાની ઈચ્છા મુજબ વારંવાર યુએઈની મુલાકાત લઈ શકશે.
આ નવા વિઝા નિયમ હેઠળ ભારતીય પ્રવાસીઓને વિઝાની ૫ વર્ષની માન્યતા અવધિ દરમિયાન કેટલીય વાર યુએઈમાં પ્રવેશવાની અને બહાર નીકળવાની મંજૂરી મળશે. દરેક મુલાકાત વખતે પ્રવાસી મહત્તમ ૯૦ દિવસ એટલે કે ત્રણ મહિના સુધી યુએઈમાં રોકાઈ શકશે. જોકે, પ્રવાસીઓએ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે ૫ વર્ષની વિઝા માન્યતાનો અર્થ સતત ૫ વર્ષ રોકાવાનો નથી, પરંતુ ૫ વર્ષના સમયગાળા દરમિયાન વારંવાર મુલાકાત લેવાની સુવિધાનો છે. જે ભારતીયો પરિવારની મુલાકાત, રજાઓ માણવા કે બિઝનેસ નેટવર્કિંગ માટે વારંવાર દુબઈ કે અબુ ધાબી જાય છે, તેમને હવે દરેક સફર માટે અલગ-અલગ ટુરિસ્ટ વિઝા લેવાની કંજટમાંથી મુક્તિ મળશે.
આ પાંચ વર્ષના બહુવિધ-પ્રવેશ વિઝા મેળવવા માટે ભારતીય નાગરિકોએ યુએઈના સત્તાવાર વિઝા પોર્ટલ અથવા માન્ય ચેનલો દ્વારા અરજી કરવાની રહેશે. અરજદારે તેના જરૂરી દસ્તાવેજો, નિયત ફી અને બેંક બેલેન્સ સહિતની નાણાકીય પાત્રતાની શરતો પૂર્ણ કરવી પડશે. આ ઉપરાંત, આ વિઝા માત્ર પ્રવાસન, પરિવારની મુલાકાત અને સામાન્ય મુસાફરી માટે જ ઉપયોગી રહેશે; તેના આધારે યુએઈમાં કોઈપણ પ્રકારનો કાયમી રોજગાર કે નોકરી કરવાની મંજૂરી મળશે નહીં.
ભારતીય પ્રવાસીઓએ કોઈપણ ટિકિટ કે હોટેલ બુકિંગ કરાવતા પહેલા સત્તાવાર માર્ગદર્શિકા ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે. આ નવો વિઝા નિયમ ભારત અને યુએઈ વચ્ચેના પ્રવાસન, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે તેમજ બંને દેશો વચ્ચેના વાહનવ્યવહારને વધુ સરળ અને સુગમ બનાવશે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
