<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ગરમાવો: ફડણવીસ-શાહ વચ્ચે ૩૫ મિનિટની 'સીક્રેટ' બેઠક : નાણા મંત્રાલય મુદ્દે વિવાદ ઉકેલાયો!

મહાયુતિ સરકારમાં મંત્રાલયોની વહેંચણીને લઈને સર્જાયેલી મડાગાંઠ આખરે દિલ્હી દરબારમાં શાંત પડી : અજિત પવાર બાદ સુનેત્રા પવારની આક્રમક માંગણી સામે ભાજપ હાઇકમાન્ડે નમતું જોખ્યું હોવાના સંકેતો

નવી દિલ્હી:  મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં નાણા મંત્રાલયના પાવરફુલ પોર્ટફોલિયોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો હાઇવોલ્ટેજ ડ્રામા આખરે દિલ્હીના હસ્તક્ષેપ બાદ શાંત પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અચાનક દિલ્હી દોડી જઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને લગભગ ૩૫ મિનિટ સુધી બંધ બારણે અત્યંત સંવેદનશીલ બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) ના વડા સુનેત્રા પવારે નાણા વિભાગ પોતાની પાસે જ રાખવા માટે ભારે નારાજગી વ્યક્ત કરીને ભાજપ છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અજિત પવારના વિભાગોની અસ્થાયી વહેંચણી બાદ એનસીપીએ દહેશત વ્યક્ત કરી કે રાજ્યની તિજોરીની ચાવી સમાન નાણા મંત્રાલય તેમની પાસેથી છીનવાઈ શકે છે. મંત્રી હસન મુશ્રીફ સહિતના વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ વિભાગો પર એનસીપીનો કુદરતી અધિકાર છે. શરૂઆતમાં ભાજપે આ મુદ્દે પ્રાદેશિક સ્તરે ઝૂકવાનો ઇનકાર કરી 'દિલ્હી કાર્ડ' રમ્યું હતું અને એનસીપી નેતૃત્વને સીધા અમિત શાહ સાથે વાત કરવા જણાવ્યું હતું. ભાજપની આ 'દિલ્હી-વારી'ની શરતથી એનસીપીના ધારાસભ્યોમાં ભારે રોષ ફેલાયો હતો અને પ્રાદેશિક અસ્મિતાનો મુદ્દો બનાવીને બગાવતના સૂર ઉઠ્યા હતા, જેનાથી ગઠબંધન તૂટવાનો ભય ઊભો થયો હતો.

આગામી ચૂંટણીઓ પહેલા ગઠબંધનમાં કોઈ મોટો વિખવાદ ન સર્જાય તે માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે ડેમેજ કંટ્રોલની કમાન હાથમાં લીધી હતી. અમિત શાહ સાથેની આ ગુપ્ત બેઠકમાં ફડણવીસે મહારાષ્ટ્રના વર્તમાન રાજકીય સમીકરણો અને એનસીપીના ધારાસભ્યોના ઉકળતા ચરુ જેવી સ્થિતિની સંપૂર્ણ વિગતો હાઇકમાન્ડ સમક્ષ મૂકી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં આખરે એક મધ્યમ માર્ગ શોધી લેવાયો છે અને ભાજપે સુનેત્રા પવારની માંગ સ્વીકારીને નાણા મંત્રાલય એનસીપી પાસે જ રાખવાની લીલી ઝંડી આપી દીધી છે. આગામી દિવસોમાં થનારા કેબિનેટ વિસ્તરણમાં આ નિર્ણયની સત્તાવાર જાહેરાત સાથે સુનેત્રા પવારનું રાજકીય કદ સરકારમાં ઘણું વધી જશે.

(11:04 PM IST)