News of Thursday, 12th November 2026
નીટ અને જેઈઈ સહિતની રાષ્ટ્રીય પરીક્ષાઓમાં પેપર લીક રોકવા એનટીએનો મોટો નિર્ણય : નિવૃત્ત સૈનિકો, સરકારી અધિકારીઓ અને શિક્ષકોની સ્વતંત્ર નિરીક્ષક તરીકે નિમણૂક થશે
દેશવિદેશના હજારો પરીક્ષા કેન્દ્રો ઉપર કડક દેખરેખની તૈયારી : ત્રણ શ્રેણીમાં ૬ ડિસેમ્બર સુધી અરજીઓ મંગાવાઈ, સીસીટીવી, સુરક્ષા વ્યવસ્થા અને ગેરરીતિઓનો સીધો અહેવાલ એનટીએને અપાશે

નવી દિલ્હી : દેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને પરીક્ષાની વિશ્વસનીયતા અંગે ઊભા થયેલા ગંભીર સવાલો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરીક્ષાઓ ઉપર વધુ કડક અને સ્વતંત્ર દેખરેખ રાખવા માટે નિવૃત્ત સૈનિકો, અર્ધલશ્કરી દળોના ભૂતપૂર્વ અધિકારીઓ, કેન્દ્ર તથા રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારીઓ અને સરકારી શિક્ષણ સંસ્થાઓના કાર્યરત તથા નિવૃત્ત શિક્ષકો-પ્રોફેસરોની સેવાઓ લેવામાં આવશે.
એનટીએ દ્વારા તા. ૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૬ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ દેશભરમાં અગાઉથી ચકાસાયેલા લાયક નિરીક્ષકોની કાયમી ઉપલબ્ધ યાદી તૈયાર કરવામાં આવશે, જેથી પરીક્ષાઓ દરમિયાન છેલ્લી ઘડીએ નિરીક્ષકોની અછત સર્જાય નહીં.
મહત્વની બાબત એ છે કે એનટીએ અત્યાર સુધી પણ પરીક્ષા કેન્દ્રો ઉપર સ્વતંત્ર નિરીક્ષકોની વ્યવસ્થા કરતી હતી. હવે આ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને દેશવ્યાપી બનાવવામાં આવી રહી છે.
નીટ પેપર લીકના વિવાદ બાદ મહત્વપૂર્ણ સુધારો
જૂન, ૨૦૨૬માં યોજાયેલી નીટ-યુજી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના વિવાદ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો બાદ રાષ્ટ્રીય પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ ઊઠી હતી. આ વિવાદને પગલે કેન્દ્ર સરકારે ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નીલેકણીના અધ્યક્ષપદ હેઠળ ઉચ્ચસ્તરીય કાર્યદળની રચના કરી હતી.
આ કાર્યદળને પરીક્ષાઓની સુરક્ષા, ટેકનોલોજીનો ઉપયોગ, પારદર્શિતા, પરીક્ષા કેન્દ્રોની સુવિધાઓ અને વિદ્યાર્થીઓના હિત અંગે સુધારા સૂચવવાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે એનટીએ દ્વારા નિરીક્ષકો અને પરીક્ષા કેન્દ્રોની અગાઉથી પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
કઈ કઈ પરીક્ષાઓમાં નવી વ્યવસ્થાનો લાભ મળશે?
એનટીએ દર વર્ષે નીટ-યુજી, જેઈઈ મેઇન, યુજીસી-નેટ, સીએસઆઈઆર-નેટ તથા સીયુઈટીની સ્નાતક અને અનુસ્નાતક પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે. દેશ અને વિદેશના હજારો કેન્દ્રો ઉપર લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપે છે.
એનટીએની યોજના અનુસાર પરીક્ષાના દિવસે કેન્દ્ર ખાતે નિયુક્ત સ્વતંત્ર નિરીક્ષક સિટી કોઓર્ડિનેટર અને સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટથી અલગ રહીને કામગીરી કરશે. તે સીધો એનટીએને અહેવાલ આપશે. આથી કેન્દ્રમાં ગેરરીતિ કે સુરક્ષાની ખામી જણાય તો તેની માહિતી સ્વતંત્ર રીતે ઉચ્ચસ્તરે પહોંચી શકશે.
નિરીક્ષક બનવા માટે ત્રણ મુખ્ય શ્રેણીઓ નક્કી
એનટીએએ સ્વતંત્ર નિરીક્ષકોની પસંદગી માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરી છે. પ્રથમ શ્રેણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના આઠમા પગાર સ્તરથી ઉપરના હોદ્દાઓ પરથી નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની ઉંમર ૬૦થી ૬૫ વર્ષની હોવી જરૂરી છે.
બીજી શ્રેણીમાં ભારતીય સૈન્ય અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના સુબેદાર મેજર અથવા સમકક્ષ અને તેથી ઉચ્ચ હોદ્દાઓ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનો સમાવેશ કરાયો છે. તેમની મહત્તમ વયમર્યાદા ૬૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.
ત્રીજી શ્રેણીમાં સરકારી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના કાર્યરત તથા નિવૃત્ત શિક્ષકો, પ્રિન્સિપાલ, લેક્ચરર, પ્રોફેસર અને અન્ય પાત્ર શૈક્ષણિક અધિકારીઓનો સમાવેશ થાય છે. નિવૃત્ત કર્મચારીઓ માટે સામાન્ય રીતે ૬૦થી ૬૫ વર્ષની વયમર્યાદા છે, જ્યારે કાર્યરત શિક્ષકોએ પોતાના વિભાગની મંજૂરી મેળવવી પડશે.
પસંદગી પામનારા નિરીક્ષકોની પેનલ બે વર્ષ માટે માન્ય રહેશે. જોકે પેનલમાં સમાવેશ થવાથી દરેક પરીક્ષામાં કામગીરી મળવાની ખાતરી નહીં રહે.
પરીક્ષા કેન્દ્ર ઉપર સ્વતંત્ર નિરીક્ષકની કડક દેખરેખ
નવા નિયમો અનુસાર નિરીક્ષકોએ પરીક્ષાના એક દિવસ પહેલાં ફરજિયાત તાલીમ અને સૂચના બેઠકમાં હાજરી આપવાની રહેશે. પરીક્ષાના દિવસે નિયત સમય કરતાં અગાઉ કેન્દ્ર ઉપર પહોંચીને તમામ વ્યવસ્થાની તપાસ કરવાની રહેશે.
વિદ્યાર્થીઓની ઓળખની ચકાસણી, સુરક્ષા તપાસ, બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્રોનું વિતરણ અને પરત મેળવવાની પ્રક્રિયા, સીસીટીવી કેમેરા, વેબકાસ્ટિંગ તથા વીજળીના બેકઅપની ચકાસણી કરવાની રહેશે.
કોઈપણ પ્રકારની ગેરરીતિ, શંકાસ્પદ પ્રવૃત્તિ કે સુરક્ષાની ખામી જણાય તો નિરીક્ષક સીધો એનટીએને અહેવાલ આપશે. કામગીરી પૂરી થયા પછી નિર્ધારિત સમયમર્યાદામાં લેખિત અહેવાલ પણ રજૂ કરવાનો રહેશે.
વિદેશી પરીક્ષા કેન્દ્રો માટે ખાસ જોગવાઈ
ભારત બહારના પરીક્ષા કેન્દ્રોમાં પણ સ્વતંત્ર દેખરેખ માટે વ્યવસ્થા કરવામાં આવશે. જે શહેરમાં પરીક્ષા કેન્દ્ર આવેલું હોય ત્યાં રહેતા પાત્ર ભારતીય નાગરિકોને પ્રાથમિકતા અપાશે.
આ કામગીરી માટે ભારતીય દૂતાવાસ, હાઈ કમિશન અને કોન્સ્યુલેટના કાર્યરત કે નિવૃત્ત અધિકારીઓ, વિદેશ મંત્રાલયના નિવૃત્ત અધિકારીઓ તથા અન્ય પાત્ર ભારતીય નાગરિકોની પસંદગી થઈ શકશે.
નિરીક્ષકોને કામગીરી બદલ મહેનતાણું પણ મળશે
સત્તાવાર નિયમો મુજબ પરીક્ષા અગાઉની સૂચના બેઠક માટે રૂ. ૨,૦૦૦ મહેનતાણું અને રૂ. ૧,૦૦૦ સ્થાનિક મુસાફરી ખર્ચ મળી કુલ રૂ. ૩,૦૦૦ આપવામાં આવશે. પરીક્ષાના દિવસે રૂ. ૩,૦૦૦ મહેનતાણું તથા રૂ. ૧,૦૦૦ મુસાફરી ખર્ચ મળી રૂ. ૪,૦૦૦ મળશે. અન્ય શહેરમાં કામગીરી માટે નિયમાનુસાર મુસાફરી અને રોકાણનો ખર્ચ અલગથી ચૂકવવાની જોગવાઈ છે.
પરીક્ષા કેન્દ્રો માટે પણ કડક ધોરણો નક્કી
એનટીએએ પરીક્ષા કેન્દ્રોની પસંદગી માટે પણ અલગ જાહેરાત બહાર પાડી છે. કમ્પ્યુટર આધારિત પરીક્ષા કેન્દ્રોમાં સામાન્ય રીતે એક પાળીમાં ઓછામાં ઓછાં ૨૮૫ કાર્યરત કમ્પ્યુટર હોવાં જરૂરી છે. જોકે સુવિધાઓ ઓછી ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં ઓછી સંખ્યાનાં કમ્પ્યુટર ધરાવતાં કેન્દ્રોની અરજીઓ પણ વિચારવામાં આવી શકે છે.
લેખિત પરીક્ષા માટે એક પાળીમાં ઓછામાં ઓછી ૨૫૦ બેઠકોની ક્ષમતા જરૂરી છે. પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી, બાયોમેટ્રિક ઓળખની ચકાસણી, વીજળીનું બેકઅપ, સુરક્ષિત પ્રશ્નપત્ર સંગ્રહની વ્યવસ્થા તથા વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી અને શૌચાલય જેવી સુવિધાઓ માટે પણ ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે.
કેન્દ્રોની પસંદગી પહેલાં જરૂરી મૂલ્યાંકન અને તપાસ કરવામાં આવશે.
૬ ડિસેમ્બર સુધી અરજીઓ મંગાવાઈ
એનટીએએ નિરીક્ષકો તથા પરીક્ષા કેન્દ્રો માટે અલગ-અલગ અરજીઓ મંગાવી છે. બંનેની છેલ્લી તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૬ છે. ઉમેદવારોની ઓળખ, અનુભવ, પોલીસ અથવા તકેદારી સંબંધિત ચકાસણી અને તાલીમ બાદ જ પરીક્ષા કામગીરી સોંપવામાં આવશે.
આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ પેપર લીક અને અન્ય ગેરરીતિઓનું જોખમ ઘટાડવું, પરીક્ષાની સુરક્ષા મજબૂત બનાવવી અને લાખો વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય પરીક્ષા વ્યવસ્થા ઉપર વિશ્વાસ વધારવાનો છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
