<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે વિધાયક આરાધના મિશ્રા 'મોના'ની નિમણૂક : અજય રાયની છુટ્ટી : ઇમરાન મસૂદને બનાવાયા કાર્યકારી અધ્યક્ષ

કોંગ્રેસ હાઈકમાન્ડે દેવિન્દર નિષાદ અને આલોક પ્રસાદને વરિષ્ઠ ઉપાધ્યક્ષ નીમ્યા : ચૌધરી વિરેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ વિધાનમંડળ દળના નવા નેતા તરીકે ચૂંટાયા

લખનૌ:ઉત્તર પ્રદેશમાં આગામી 2027ની ચૂંટણીના રાજકીય સમીકરણોને ધ્યાન રાખીને કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી (UPCC)ના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રતાપગઢની રામપુર ખાસ બેઠકથી ત્રણ વખતથી વિધાયક અને કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા રહ્યા સક્ષમ મહિલા નેતા આરાધના મિશ્રા 'મોના'ને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સામે પદ પરથી હટાવાયેલા અજય રાયના પ્રદાનની પાર્ટી દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

સહરાનપુરના સાંસદ ઇમરાન મસૂદને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત દેવિન્દર નિષાદ અને આલોક પ્રસાદને સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ (વરિષ્ઠ ઉપાધ્યક્ષ) નીમવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ વિધાનમંડળ દળના નવા નેતા તરીકે ચૌધરી વિરેન્દ્ર સિંહની પસંદગી પર મંજૂરીની મહોર મારી દીધી છે.

બંને અગ્રણી નેતાઓનું રાજકીય કદ અને બેકગ્રાઉન્ડ:
નવા પ્રદેશ અધ્યક્ષ આરાધના મિશ્રા 'મોના' વરિષ્ઠ કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીની પુત્રી છે અને બે દાયકા કરતાં વધુ સમયથી સક્રિય રાજકારણમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાના 'લડકી હૂં, લડ સક્તિ હૂં' અભિયાનમાં તેમની અગ્રણી ભૂમિકા રહી હતી.

બીજી તરફ કાર્યકારી અધ્યક્ષ બનાવાયેલા ઇમરાન મસૂદની સહરાનપુર અને આસપાસના વિસ્તારોમાં મુસ્લિમ અને પછાત વર્ગના મતદારો પર મજબૂત પકડ છે. ૨૦૨૪માં સપા-કોંગ્રેસ ગઠબંધનથી સાંસદ બનનારા મસૂદ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. તેમણે જાહેર કર્યું હતું કે ૨૦૨૪માં કોંગ્રેસ સાથે જોડાણના કારણે જ સમાજવાદી પાર્ટી ૩૭ સીટો જીતી શકી હતી અને તેઓ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે પણ વહેલી તકે સપા સાથે સીટ-શેરિંગનું જોડાણ ઈચ્છે છે. નોંધનીય છે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા બદલ તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા અને જેલ પણ ગયા હતા.

હાઈકમાન્ડના આ નિર્ણયથી ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ સંગઠનને નવી ઊર્જા મળશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

(9:39 PM IST)