તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Thursday, 16th July 2026
ઈંધણ ક્ષેત્રે મોટો ફેરફાર: સરકારે પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, જ્યારે ડીઝલ અને એટીએફ પરના ટેક્સમાં કર્યો ધરખમ વધારો
મધ્ય-પૂર્વમાં વધતા ભૌગોલિક તણાવ અને ક્રૂડ ઓઈલની અસ્થિર કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; જાણો સામાન્ય જનતા પર શું થશે તેની અસર

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેની સીધી અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત સરકારે દેશના ઈંધણ ક્ષેત્રે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલના નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે, જ્યારે બીજી તરફ ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) પરના વિન્ડફોલ ટેક્સમાં નોંધપાત્ર વધારો ઝીંકી દીધો છે.
સરકારના આ નવા આદેશ મુજબ, ડીઝલ અને ATF પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કરીને તેને 7 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચાડવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી બજારમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે, શું આ ટેક્સ વધારાના કારણે હવે સામાન્ય નાગરિકોએ પોતાની ગાડીમાં ડીઝલ ભરાવવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડશે?
તજજ્ઞોના મતે, આ 'વિન્ડફોલ ટેક્સ' મુખ્યત્વે રિફાઇનરીઓ અને નિકાસકારો પર લાગતો ટેક્સ છે. આ ટેક્સમાં ફેરફાર સીધી રીતે પેટ્રોલ પંપ પર વેચાતા ઈંધણના રિટેલ ભાવ સાથે જોડાયેલ નથી. આમ, આ ટેક્સ વધારાને કારણે હાલ તુરંત ગ્રાહકોએ પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે વધારાના નાણાં ચૂકવવા પડશે નહીં. સરકાર ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવમાં થતી વધઘટને સંતુલિત કરવા માટે સમયાંતરે આ પ્રકારના ટેક્સમાં ફેરફાર કરતી હોય છે. હાલમાં ક્રૂડ ઓઈલ મોંઘું થતાં સરકારે પોતાની આવક અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટેક્સ માળખામાં ફેરફાર કર્યો છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
