News of Sunday, 25th October 2026
બનાસકાંઠામાં વાહનચાલકોને મોટો ઝટકો: IRM કંપનીએ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4નો તગડો વધારો ઝીંક્યો
સદી ફટકારવાની નજીક પહોંચેલા ભાવથી ઓટો રિક્ષા અને કોમર્શિયલ વાહનચાલકોના માસિક બજેટ ખોરવાઈ જવાની આશંકા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં સીએનજી વાહનચાલકો અને સામાન્ય જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં ગેસ વિતરણ કરતી જાણીતી IRM કંપની દ્વારા સીએનજીના ભાવમાં ફરી એકવાર તગડો વધારો ઝીંકવામાં આવ્યો છે. કંપનીએ પ્રતિ કિલો સીએનજી ગેસના ભાવમાં રૂ. 4નો સીધો વધારો કર્યો છે. આ નવો ભાવવધારો અમલી બનતા જ જિલ્લાના વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો તેમજ કોમર્શિયલ વાહન માલિકોના ખિસ્સા પર આર્થિક બોજ વધી ગયો છે.
મળતી માહિતી અનુસાર, આ ભાવવધારા બાદ બનાસકાંઠામાં સીએનજીનો નવો ભાવ વધીને પ્રતિ કિલો રૂ. 98.94 થઈ ગયો છે, જે સેન્ચુરી એટલે કે રૂ. 100ની અત્યંત નજીક પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ પૂર્વે જિલ્લામાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. 94.94 હતો, જેમાં કંપનીએ રૂ. 4નો તુરંત વધારો કરી દેતા હવે નવો દર રૂ. 98.94 થયો છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે IRM કંપનીએ છેલ્લા એક જ મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત સીએનજીના દરોમાં વધારો કર્યો છે. માત્ર એક મહિના પહેલા બનાસકાંઠામાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. 88.94 હતો. ત્યારબાદ કંપની દ્વારા તબક્કાવાર રીતે બે વાર ભાવવધારો કરવામાં આવ્યો હતો. પહેલા રૂ. 88.94થી વધારીને રૂ. 94.94 કરવામાં આવ્યો અને હવે ફરી રૂ. 4નો વધારો કરાતા ભાવ રૂ. 98.94 પહોંચી ગયો છે. આમ, જોવામાં આવે તો માત્ર એક જ મહિનાની અંદર સીએનજી ગેસમાં સીધો રૂ. 10નો મસમોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
એક તરફ ઈંધણ અને દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવથી લોકો પહેલાથી જ પરેશાન છે, ત્યારે સીએનજીમાં ટૂંકા સમયમાં થયેલા રૂ. 10ના ભાવવધારાથી વાહનચાલકોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખાસ કરીને રોજગારી માટે સીએનજી વાહનો પર નિર્ભર રહેતા ઓટો રિક્ષાચાલકો અને ટેક્સીચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે ગેસના ભાવ સતત વધી રહ્યા છે પરંતુ તેની સામે ભાડામાં કોઈ વધારો થતો નથી, જેના કારણે આજીવિકા રળવી મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે કંપની આ અસહ્ય ભાવવધારો પાછો ખેંચે જેથી તેમને રાહત મળે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
