<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો: શરદ પવાર જૂથ NDAને આપશે 'ઇશ્યુ બેઝ્ડ' સમર્થન?

મહિલા અનામત જેવા મહત્વના બિલો વચાળે એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડ અને સુપ્રિયા સુલેના આડકતરા સંકેતોથી રાજકીય ગરમાવો વધી ગયો : નવા ગઠબંધનની અફવાઓ તેજ બની

મુંબઈ : સંસદમાં મહિલા અનામત અને સીમાંકન જેવા અતિ મહત્વના બંધારણીય સુધારા બિલો રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ એનડીએ (NDA) માટે મહારાષ્ટ્રમાંથી એક રાહતના સમાચાર આવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર આવ્હાડે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી દેશ અને બંધારણના હિતમાં મુદ્દાઓના આધારે કેન્દ્ર સરકારને ટેકો આપવા માટે તૈયાર છે. તાજેતરમાં જ્યારે શરદ પવારને એનડીએમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મૌન સેવીને અટકળોને હવા આપી હતી, પરંતુ હવે પક્ષના નેતાઓના ખુલ્લા નિવેદનોથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

આવ્હાડે એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, "અમે બંધારણીય રીતે જે યોગ્ય હશે તેનું ચોક્કસ સમર્થન કરીશું. દરેક મુદ્દાનું તેના ગુણદોષના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને એનસીપી મુદ્દાઓ આધારિત સમર્થન માટે પોતાના દરવાજા ખુલ્લા રાખે છે." આ અગાઉ સાંસદ સુપ્રિયા સુલેએ પણ સંકેત આપ્યો હતો કે તેમની પાર્ટી કોઈ પણ બિલ પર વલણ સ્પષ્ટ કરતા પહેલા તેનો કાનૂની અભ્યાસ કરશે. સંસદમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂરિયાત વચ્ચે એનસીપીનું આ નરમ વલણ કેન્દ્ર સરકાર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએ નેતૃત્વ ઈચ્છે છે કે શરદ પવાર અને અજિત પવારના જૂથો ફરી એક થઈને એનડીએનો હિસ્સો બને. આગામી સમયમાં રજૂ થનારા મહત્વના બિલો પાસ કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હોવાથી એનસીપી (SP) નો આ વ્યુહાત્મક નિર્ણય એનડીએની સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શરદ પવાર જૂથ માત્ર બિલ પૂરતું સમર્થન આપે છે કે પછી ભવિષ્યમાં કોઈ નવા રાજકીય સમીકરણો રચાય છે.

(8:36 PM IST)