<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

જેફ્રી એપ્સ્ટિન સેક્સ સ્કેન્ડલમાં મોટો ધડાકો: અમેરિકી જજે આપ્યો સનસનાટીભર્યો આદેશ, 'ટોર્ચર વીડિયો' અને સહ-ષડયંત્રકારોના છુપાયેલા નામો જાહેર કરવા પડશે

'અમીરો અને શક્તિશાળી લોકોને બચાવવાની રમત હવે નહીં ચાલે'; જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ૨ જુલાઈ સુધીમાં ગુપ્ત ફાઈલો પરથી કાળી શાહી હટાવવી પડશે અથવા કારણ આપવું પડશે

વોશિંગ્ટન: અમેરિકાના સૌથી ચર્ચિત અને કલંકિત હાઈ-પ્રોફાઈલ સેક્સ સ્કેન્ડલના મુખ્ય સૂત્રધાર જેફ્રી એપ્સ્ટિન (Jeffrey Epstein) કેસમાં એક નવો અને મોટો વળાંક આવ્યો છે. વોશિંગ્ટન ડી.સી.ની ફેડરલ કોર્ટે અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) ને સખત શબ્દોમાં આદેશ આપ્યો છે કે એપ્સ્ટિન કેસ સાથે જોડાયેલા દસ્તાવેજોમાં જે નામો અને વિગતો પર કાળી શાહી ફેરવીને છુપાવવામાં આવ્યા છે (Redacted), તેને તાત્કાલિક જાહેર કરવામાં આવે.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એમિટ સુલિવને જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આગામી ૨ જુલાઈ સુધીની કડક સમયમર્યાદા આપી છે. જજે સ્પષ્ટ કર્યું છે કે કાં તો વિભાગ આ ગુપ્ત ફાઈલોને સાર્વજનિક કરે, અથવા તો કોર્ટ સમક્ષ વ્યાજબી કારણ રજૂ કરે કે આ વિગતો શા માટે છુપાવવી જરૂરી છે.
'ટોર્ચર વીડિયો' અને અંડરવર્લ્ડ કનેક્શન પરથી ઉઠશે પડદો
જે દસ્તાવેજો પરથી કાળી શાહી હટાવવાનો આદેશ અપાયો છે, તેમાં કેટલીક અત્યંત ચોંકાવનારી વિગતો સામેલ છે:
1.    ઈમેલ એક્સચેન્જ: એપ્સ્ટિનના એવા ૮ મહત્વના ઈમેલ, જેમાં મોકલનાર કે મેળવનારના નામો છુપાવી દેવાયા છે. આ ઈમેલ્સમાં એક કથિત 'ટોર્ચર વીડિયો' (યાતના આપતો વીડિયો) અને સગીર વયની છોકરીઓ સાથેની શારીરિક પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે.
2.    સહ-ષડયંત્રકારોના નામ: એપ્સ્ટિનની ડ્રાફ્ટ ચાર્જશીટ (ઇન્ડિક્ટમેન્ટ) માં એવા કયા શક્તિશાળી લોકોના નામ હતા જેમને અત્યાર સુધી બચાવવામાં આવી રહ્યા છે, તેનો ખુલાસો થશે.
3.    રાષ્ટ્રપતિ ટ્રમ્પ અંગેની પૂછપરછ: એફબીઆઈ (FBI) ના એવા દસ્તાવેજોની પૂછપરછની નોટ્સ પણ જાહેર કરવાનો આદેશ છે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અગાઉ કરાયેલા ન સાબિત થયેલા આક્ષેપોનો ઉલ્લેખ છે. જોકે, ટ્રમ્પ આ તમામ આરોપોને નકારી ચૂક્યા છે.
પત્રકારની કાનૂની લડાઈ અને સરકારની આકરી ઝાટકણી
આ આદેશ સ્વતંત્ર પત્રકાર કેટી ફેંગ દ્વારા એપ્રિલ મહિનામાં દાખલ કરવામાં આવેલી અરજી બાદ આવ્યો છે. કેટીએ આરોપ લગાવ્યો હતો કે ન્યાય વિભાગ કાયદાનું ઉલ્લંઘન કરીને જાણીજોઈને પ્રભાવશાળી લોકોના નામ છુપાવી રહ્યો છે. ન્યાય વિભાગે આ કેસને ટાળવા માટે ગુરુવારે બપોરે ૧ વાગ્યા સુધીનો સમય માગ્યો હતો, પરંતુ તે ડેડલાઈન ચૂકી જતાં જજે ૪૮ પાનાનો આકરો ચુકાદો સંભળાવી દીધો હતો.
કેટી ફેંગના વકીલ બ્રેન્ડન બેલોએ કોર્ટના આ નિર્ણયને આવકારતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "સરકારને એમ હતું કે તે પોતાના જ બનાવેલા કાયદાને નજરઅંદાજ કરી શકે છે અને જજના આદેશને પણ ઘોળીને પી શકે છે – અને આ બધું માત્ર અમીર તથા અત્યંત શક્તિશાળી લોકોને બચાવવા માટે થઈ રહ્યું હતું. પરંતુ તેમની આ ચાલબાજી હવે નિષ્ફળ ગઈ છે. હવે જનતાની સામે જેફ્રી એપ્સ્ટિન અને તેના કાળા નેટવર્કની તમામ વિગતો પારદર્શક રીતે સામે આવશે."

(7:30 PM IST)