News of Monday, 22nd June 2026
ડ્રેગનને મોટો ફટકો: પૂર્વ સરહદ હવે લોખંડી કવચ: મ્યાનમારના રાષ્ટ્રપતિની મુલાકાતથી ભારતને મળ્યો મોટો વ્યૂહાત્મક વિજય
ભારત-મ્યાનમાર વચ્ચે ૬ વર્ષના લાંબા અંતરાલ બાદ સંબંધો પુનઃ જીવંત થયા : ઊર્જા, સરહદ સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત મહત્વના ૧૧ કરારો પર હસ્તાક્ષર થતાં ઉત્તર-પૂર્વ ભારતના વિકાસનો માર્ગ મોકળો બન્યો

નવી દિલ્હી: મ્યાનમારના રાષ્ટ્રપતિ જનરલ મીન આંગ હ્લેઇંગની તાજેતરની ભારત મુલાકાત માત્ર એક રાજદ્વારી શિષ્ટાચાર નહોતી, પરંતુ ભારત માટે તેની ૧,૬૪૩ કિલોમીટર લાંબી પૂર્વીય સરહદને લોખંડી કવચ પૂરું પાડનારી એક અત્યંત વ્યૂહાત્મક ઘટના સાબિત થઈ છે. વર્ષ ૨૦૨૩થી મણિપુરમાં ફાટી નીકળેલી વંશીય હિંસા, સરહદ પારથી થતી હથિયારો તથા ડ્રગ્સની હેરાફેરી અને આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકવા માટે ભારત સરકારે ફેબ્રુઆરી ૨૦૨૪માં દાયકાઓ જૂની 'ફ્રી મૂવમેન્ટ રિજીમ' (વિઝા વિના મુસાફરીની છૂટ) રદ કરીને સરહદે વાડ લગાવવાનો કડક નિર્ણય કર્યો હતો. આ પૃષ્ઠભૂમિ વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મ્યાનમારના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ ખાતરી આપી છે કે તેઓ પોતાના સૈન્ય પ્રદેશનો ઉપયોગ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ક્યારેય થવા નહીં દે, જે પડોશી દેશોમાં પોતાનો પગપેસારો કરવા મથતા ચીન (ડ્રેગન) માટે બહુ મોટો ઝાટકો માનવામાં આવે છે.
આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અગિયાર જેટલા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં દરિયાઈ સુરક્ષા અને બંગાળની ખાડીમાં સંયુક્ત નજર રાખવા માટે 'વ્હાઇટ-શિપિંગ' માહિતીની આપ-લેના મોટો સમાવેશ થાય છે. આ કરાર દ્વારા બંને દેશો વચ્ચેનો સુરક્ષા સંવાદ હવે માત્ર જમીની સરહદો પૂરતો મર્યાદિત ન રહેતા દરિયાઈ ક્ષેત્ર સુધી વિસ્તર્યો છે, જે હિંદ મહાસાગરમાં શત્રુ દળોની ગતિવિધિઓ પર અંકુશ લાવવામાં ભારતને વ્યૂહાત્મક મજબૂતી આપશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મ્યાનમારથી અંતર રાખવાને બદલે ભારતની આ સતત જોડાણની વ્યવહારિક નીતિ ભવિષ્યમાં પૂર્વીય સરહદ પર કોઈપણ મોટો સુરક્ષા શૂન્યાવકાશ ઊભો થતો અટકાવશે.
બીજી તરફ, ભારતની 'એક્ટ ઇસ્ટ' નીતિને વેગ આપવા માટે કનેક્ટિવિટીના બે સૌથી મોટા મેગા પ્રોજેક્ટ્સને આ બેઠકથી નવું રાજકીય બળ મળ્યું છે. કોલકાતા બંદરને મ્યાનમારના સિટવે બંદર અને મિઝોરમ સાથે જોડતો 'કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ' વર્ષ ૨૦૨૭ સુધીમાં સંપૂર્ણ કાર્યરત કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે, જે ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે સીધો દરિયાઈ માર્ગ ખોલશે અને સંવેદનશીલ 'ચિકન્સ નેક' (સિલિગુડી કોરિડોર) પરની નિર્ભરતા ઘટાડશે. આ સાથે જ, મણિપુરના મોરેહથી શરૂ થઈને મ્યાનમાર થઈ થાઈલેન્ડના માએ સોટ સુધી વિસ્તરનારા ૧,૩૬૦ કિલોમીટર લાંબા 'ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવે'ના બાકીના રોડ અને પુલના નિર્માણને ઝડપી બનાવવાની સંમતિ સધાતા, આગામી સમયમાં દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાથે ભારતનો વેપાર નવી ઊંચાઈએ પહોંચશે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
