News of Tuesday, 19th May 2026
એવિએશન માર્કેટમાં મોટો ધમાકો: સાઉદી અરેબિયાની બજેટ એરલાઇન 'Flyadeal' ભારતમાં મૂકશે પગદંડો; ૧ જુલાઈથી શરૂ થશે રિયાધ-હૈદરાબાદ ડેઇલી ફ્લાઇટ્સ!
ભારતીય મુસાફરોને સસ્તા ભાડામાં મળશે આંતરરાષ્ટ્રીય સફરની શાનદાર તક; એરબસ A320neo એરક્રાફ્ટ સાથે ઓછી કિંમતની કેરિયર ટૂંક સમયમાં કરશે બીજા ભારતીય શહેરની જાહેરાત

હૈદરાબાદ: આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા ભારતીય મુસાફરો, ખાસ કરીને ગલ્ફ દેશોમાં નોકરી અને વ્યવસાય અર્થે જતા લોકો માટે ઉડ્ડયન ક્ષેત્ર (Aviation Sector) માંથી એક ખૂબ જ આનંદદાયક સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયાની લોકપ્રિય અને ઓછી કિંમતની વિમાની સેવા આપતી એરલાઇન 'ફ્લાયએડલ' (Flyadeal) આગામી ૧ જુલાઈથી ભારત અને સાઉદી વચ્ચે સીધી દૈનિક ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. કંપની આ નવી ફ્લાઇટ રિયાધ અને હૈદરાબાદ વચ્ચે ઓપરેટ કરશે, જેની સાથે જ ભારતીય એવિએશન માર્કેટમાં ફ્લાયએડલ સત્તાવાર રીતે એન્ટ્રી કરશે.
જેદ્દાહ સ્થિત ફ્લાયએડલ એ સાઉદી અરેબિયાની પ્રખ્યાત સરકારી એરલાઇન 'સાઉદીયા' (Saudia) ની જ એક સિસ્ટર કંપની છે. આ નવા રૂટ પર કંપની પોતાના આધુનિક એરબસ A320neo (Airbus A320neo) એરક્રાફ્ટનો ઉપયોગ કરશે, જેમાં મુસાફરો માટે ૧૮૬ ઇકોનોમી-ક્લાસ સીટોની આરામદાયક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હૈદરાબાદ બનશે પહેલું સ્ટેશન, આગામી પ્લાન પણ તૈયાર
છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી મધ્ય-પૂર્વના દેશોમાં સફળતાપૂર્વક કાર્યરત ફ્લાયએડલ હાલમાં રિયાધ, જેદ્દાહ, મદીના અને દમ્મામથી અનેક આંતરરાષ્ટ્રીય સ્થળોએ પ્રીમિયમ સેવાઓ આપી રહી છે. એરલાઇનના કાર્યકારી સીઈઓ સંજીવ કપૂરે આ ઐતિહાસિક લોન્ચિંગ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ભારતમાં અમારા આયોજિત વિસ્તરણમાં હૈદરાબાદ એ માત્ર પ્રથમ પગલું છે. ભારતીય બજાર સાઉદીયા ગ્રુપ અને ફ્લાયએડલની લાંબા ગાળાની વ્યાપારી વ્યૂહરચનાનો એક મુખ્ય ભાગ છે. અમે ખૂબ જ ટૂંક સમયમાં ભારતના બીજા એક મોટા શહેર માટે પણ નવી ફ્લાઇટની જાહેરાત કરીશું."
૧૯૬૪ થી ભારત સાથે જોડાયેલું છે પેરેન્ટ ગ્રુપ
સીઈઓ સંજીવ કપૂરે વધુમાં ઉમેર્યું કે, "મુસાફરોને મૈત્રીપૂર્ણ, કાર્યક્ષમ, ઓછું ભાડું અને સમયસર (On-time) શ્રેષ્ઠ સેવા આપવાનું અમારું વચન છે. અમારી પેરેન્ટ કંપની સાઉદીયા ગ્રુપ વર્ષ ૧૯૬૪ થી ભારતમાં મજબૂત હાજરી ધરાવે છે અને તે જ ભરોસા સાથે ફ્લાયએડલ પણ ભારતીય મુસાફરોનું દિલ જીતવા તૈયાર છે."
હાલમાં ફ્લાયએડલ પાસે ૪૬ અદ્યતન એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટનો વિશાળ કાફલો છે. આ નવી ફ્લાઇટ શરૂ થવાથી ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વેપાર, પ્રવાસન અને ખાસ કરીને હજ-ઉમરાહ પર જતા યાત્રાળુઓ તેમજ કામદારો માટે પ્રવાસ વધુ સસ્તો, સરળ અને આરામદાયક બની રહેશે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
