News of Monday, 6th July 2026
સાવધાન! ચેટજીપીટી અને જેમિની જેવા AI સાધનોની નાણાકીય સલાહ પર હવે બેસાડાશે લગામ: યુકેના નિયમનકારે કરી મોટી સમીક્ષાની માંગ
રોકાણકારોના આર્થિક નિર્ણયો પર વધી રહેલા AIના પ્રભાવને જોતા બ્રિટિશ નિયમનકાર (FCA) એક્શન મોડમાં; સિસ્ટમ-વ્યાપી જોખમોની આપી ચેતવણી

લંડન : આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણી જિંદગીનો અહંમ હિસ્સો બની ગયું છે. લોકો હવે નાણાકીય રોકાણ અને બચતની સલાહ માટે પણ ChatGPT, Claude અને Gemini જેવા AI પ્લેટફોર્મ્સ પર ભરોસો કરવા લાગ્યા છે. પરંતુ, શું આ AI સાધનો તમને સાચી સલાહ આપી રહ્યા છે? શું તેમના પર વિશ્વાસ કરવો સુરક્ષિત છે? આ ગંભીર સવાલો વચ્ચે, યુકેના ફાયનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) એ એક મોટું પગલું ભર્યું છે.
FCAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શેલ્ડન મિલ્સે બ્રિટિશ નિયમનકારોને તાકીદની હાકલ કરી છે કે આ સામાન્ય હેતુવાળા AI મોડેલોને નાણાકીય નિયમનના દાયરામાં લાવવામાં આવે. હાલમાં, લાઇસન્સ પ્રાપ્ત નાણાકીય સંસ્થાઓ માટે જે કડક કાયદા અને ગ્રાહક સુરક્ષાના નિયમો છે, તે આ AI પ્લેટફોર્મ્સ પર લાગુ પડતા નથી. મિલ્સે ચિંતા વ્યક્ત કરી છે કે ગ્રાહકો આ સાધનોના આધારે મોટા આર્થિક નિર્ણયો લઈ રહ્યા છે, જે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે. આથી, આગામી ૩ થી ૬ મહિનામાં એક વિશેષ સમીક્ષા હાથ ધરવામાં આવશે જે નક્કી કરશે કે આ નિયમનકારી સીમાઓને કેવી રીતે "સુરક્ષિત અને અનુકૂલિત" કરવી.
બેક-ઓફિસથી લઈને ગ્રાહકોના રોકાણ સુધી: AIનો વધતો ક્રેઝ
એક તાજેતરના વૈશ્વિક સર્વેક્ષણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે મુજબ દુનિયાભરની લગભગ ૮૧% નાણાકીય કંપનીઓએ કોઈને કોઈ સ્તરે AI અપનાવી લીધું છે. એટલું જ નહીં, તેમાંથી ૪૦% કરતાં વધુ કંપનીઓ તો મોટા પાયે AIના ઉપયોગના અદ્યતન તબક્કામાં પહોંચી ગઈ છે.
શરૂઆતમાં AIનો ઉપયોગ માત્ર ઓફિસના આંતરિક અને ઓછા જોખમવાળા કામો માટે થતો હતો. પરંતુ હવે, યુકે સહિત વૈશ્વિક સ્તરે કંપનીઓ ગ્રાહકોની ફરિયાદો ઉકેલવા અને સીધા રોકાણનું માર્ગદર્શન (Investment Guidance) આપવા માટે પણ AI રોબોટ્સ અને મોડેલોને મેદાનમાં ઉતારી રહી છે.
એકાગ્રતાનું જોખમ: સમગ્ર નાણાકીય સિસ્ટમ પર તોળાતો ખતરો
શેલ્ડન મિલ્સે આ ટ્રેન્ડ પાછળના એક છૂપા જોખમ તરફ પણ આંગળી ચીંધી છે, જેને "એકાગ્રતા જોખમ" (Concentration Risk) કહેવામાં આવે છે. અત્યારે માર્કેટમાં ગણ્યાગાંઠ્યા ટેકનોલોજી પ્રદાતાઓ જ આ શક્તિશાળી AI મોડેલો ચલાવે છે. જો સમગ્ર નાણાકીય ક્ષેત્ર અને મોટી બેંકો માત્ર આ મુઠ્ઠીભર ટેક કંપનીઓ પર નિર્ભર થઈ જશે, તો ભવિષ્યમાં કોઈ ટેકનિકલ ખામી અથવા સાયબર અટેકના કારણે આખી નાણાકીય સિસ્ટમ ખોરવાઈ જવાનો મોટો ખતરો ઊભો થઈ શકે છે. આથી, આધુનિક ટેકનોલોજીની સ્પીડ સાથે નિયમોની સુરક્ષા પણ એટલી જ જરૂરી બની ગઈ છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
