News of Friday, 22nd May 2026
ગ્લોબલ સુપરપાવર બનવાની જંગ: બાયોટેકનોલોજી અને AI ક્ષેત્રે ચીનના પ્રભુત્વને તોડવા અમેરિકી સંસદમાં ઐતિહાસિક બિલ રજૂ
ભારતીય મૂળના કોંગ્રેસમેન રો ખન્ના અને રિચ મેકકોર્મિકનો માસ્ટરસ્ટ્રોક; રાષ્ટ્રીય સુરક્ષાના ભાગરૂપે અમેરિકા ફેડરલ ગવર્મેન્ટમાં ઊભું કરશે ‘બાયો-સાક્ષર’ (Bio-literate) સૈન્ય

વોશિંગ્ટન, તા.૨૨: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ ટેકનોલોજી બાદ હવે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં પણ અમેરિકા અને ચીન વચ્ચે સર્વોચ્ચતા મેળવવાની જંગ જામી છે. વ્હાઇટ હાઉસ અને વોશિંગ્ટનના રાજકીય ગલિયારાઓમાં વધી રહેલી ચિંતા વચ્ચે, બે અગ્રણી દ્વિપક્ષીય કાયદા ઘડનારાઓએ અમેરિકાની સંસદમાં એક અત્યંત મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યું છે. ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના અને પ્રતિનિધિ રિચ મેકકોર્મિકે ૨૧ મેના રોજ સંયુક્ત રીતે ‘ફેડરલ બાયોટેકનોલોજી વર્કફોર્સ એસેસમેન્ટ એક્ટ’ (Federal Biotechnology Workforce Assessment Act) નું અનાવરણ કર્યું છે, જેનો સીધો લક્ષ્યાંક ભવિષ્યની ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધનોમાં ચીનને પછાડવાનો છે.
ચીન સામે સરસાઈ ગુમાવવાનો અમેરિકાને ભય
છેલ્લા કેટલાક સમયથી વોશિંગ્ટનના સંરક્ષણ અને વ્યૂહાત્મક નિષ્ણાતોમાં એવો ફફડાટ છે કે જો અમેરિકા સમયસર નહીં જાગે, તો બાયોટેકનોલોજી અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરતા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં તે ચીન સામે પોતાનું વર્ચસ્વ ગુમાવી બેસશે. આ પ્રસ્તાવ એપ્રિલ ૨૦૨૫ માં ‘નેશનલ સિક્યુરિટી કમિશન ઓન ઇમર્જિંગ બાયોટેકનોલોજી’ (NSCEB) દ્વારા આપવામાં આવેલા ચોંકાવનારા અહેવાલ બાદ લાવવામાં આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો અમેરિકાએ વૈશ્વિક નેતૃત્વ જાળવી રાખવું હશે, તો સરકારી તંત્રમાં ઉચ્ચ સ્તરીય પ્રશિક્ષિત કાર્યબળ અનિવાર્ય છે.
સરકારી તંત્રમાં ‘બાયો-સાક્ષર’ કર્મચારીઓની થશે ભરતી
આ નવો કાયદો ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OPM) ને સીધો આદેશ આપે છે કે તેઓ વિવિધ ફેડરલ એજન્સીઓ સાથે મળીને સરકારમાં ‘બાયો-સાક્ષર’ (Bio-literate) એટલે કે બાયોટેકનોલોજીની ઉંડી સમજ ધરાવતા કર્મચારીઓની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોનું ચોક્કસ મૂલ્યાંકન કરે. આ મૂલ્યાંકન અહેવાલ સીધો યુએસ કોંગ્રેસ (સંસદ) ને સોંપવામાં આવશે, જેના આધારે ભવિષ્યની ભરતી પ્રક્રિયા અને સંરક્ષણ નીતિઓ ઘડવામાં આવશે.
૨૧મી સદીના અર્થતંત્રમાં ચીનને હરાવવાની તૈયારી
આ બિલ અંગે ગર્વ વ્યક્ત કરતા ભારતીય મૂળના નેતા રો ખન્નાએ જણાવ્યું હતું કે, “અમેરિકાના ફેડરલ બાયોટેકનોલોજી કાર્યબળને મજબૂત કરવા માટેનું આ રોકાણ ૨૧મી સદીમાં યુ.એસ. અર્થતંત્ર માટે આર્થિક અને વૈજ્ઞાનિક નેતૃત્વનો નવો માર્ગ મોકળો કરશે. આ બિલ બાયોટેકનોલોજીની નવી શોધ, સંશોધન અને ઉદ્યોગસાહસિકતામાં ચીનને દરેક મોરચે માત આપવા માટે અમેરિકાની સજ્જતાની કસોટી કરશે.”
બીજી તરફ, રિચ મેકકોર્મિકે આ કાયદાને અમેરિકાની આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે એક મોટું હથિયાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “અત્યારે અમે બાયોટેકનોલોજી સંશોધન અને બાયો-મેન્યુફેક્ચરિંગમાં ઐતિહાસિક રોકાણો કરી રહ્યા છીએ, પરંતુ આપણી પાસે યોગ્ય કાર્યબળ બનાવવા માટે કોઈ સંકલિત વ્યૂહરચના નહોતી. આ બિલ આપણી આ ખામીને સુધારીને અમેરિકાને આપણા વિરોધી દેશો કરતાં બે કદમ આગળ રાખશે.”
લેબોરેટરીના વૈજ્ઞાનિકોથી લઈને પાઈપફિટર સુધીના કુશળ કામદારો જોડાશે
NSCEB ના કમિશનર પોલ આર્કેન્જેલીએ આ બાયોટેકનોલોજી કાર્યબળને અમેરિકાની ‘રાષ્ટ્રીય સુરક્ષા સંપત્તિ’ (National Security Asset) તરીકે વર્ણવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પાઇપલાઇન માત્ર લેબોરેટરીના વૈજ્ઞાનિકો અને સંશોધકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ઔદ્યોગિક ટેકનિશિયનો, મિકેનિક્સ અને પાઇપફિટર જેવા કુશળ કામદારોને પણ સામેલ કરવામાં આવશે, જેઓ ભવિષ્યના અમેરિકી બાયો-ઇકોનોમી અર્થતંત્રને નવી શક્તિ આપશે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
