<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

બેંક ઓફ બરોડાની ૫૫૫ દિવસની ખાસ એફડી યોજનામાં વ્યાજ દરનો મોટો વધારો

વરિષ્ઠ અને સુપર સિનિયર નાગરિકોને નોન-કોલેબલ ડિપોઝિટ પર ૭.૫૦ ટકા સુધીનું આકર્ષક વાર્ષિક વળતર આપવાનો નિર્ણય

વડોદરા: સુરક્ષિત રોકાણની શોધમાં રહેલા ગ્રાહકો અને ખાસ કરીને વૃદ્ધો માટે બેંક ઓફ બરોડાએ મોટી ભેટ આપતા પોતાની ૫૫૫ દિવસની 'બોબ ગોલ્ડન ગોલ' ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાના વ્યાજ દરમાં ૧૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ૧૨ નવેમ્બરથી અમલમાં આવેલા આ નવા દરો મુજબ, ₹૩ કરોડથી ઓછી રકમની રિટેલ ટર્મ ડિપોઝિટ પર સુપર સિનિયર સિટીઝન ગ્રાહકોને સૌથી વધુ ૭.૫૦ ટકા સુધીનું વાર્ષિક વ્યાજ મળશે.

આ યોજના હેઠળ સામાન્ય ગ્રાહકો અને એનઆરઆઈ (NRI) રોકાણકારોને કોલેબલ ડિપોઝિટ પર ૬.૮૫ ટકા અને નોન-કોલેબલ ડિપોઝિટ પર ૬.૯૦ ટકા વાર્ષિક વ્યાજ મળશે. નિવાસી વરિષ્ઠ નાગરિકો માટે કોલેબલ ડિપોઝિટ પર ૭.૩૫ ટકા અને નોન-કોલેબલ ડિપોઝિટ પર ૭.૪૦ ટકા દર નક્કી કરાયો છે, જ્યારે ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને કોલેબલ પર ૭.૪૫ ટકા અને નોન-કોલેબલ પર ૭.૫૦ ટકા વ્યાજનો લાભ મળશે.

બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીના વાહીદે જણાવ્યું હતું કે મધ્યમ ગાળામાં નિશ્ચિત આવક ઇચ્છતા ગ્રાહકોને વધુ સારું વળતર આપવા તેમજ બેંકના ડિપોઝિટ બેઝ અને એસેટ-જવાબદારી વ્યવસ્થાપનને મજબૂત કરવા આ પગલું લેવાયું છે. આ દરમિયાન ખાનગી બેંકો પણ ૩ વર્ષની મુદત માટે સિનિયર સિટીઝનને ૮.૧૦ ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી હોવાથી બેંકો વચ્ચે ડિપોઝિટ આકર્ષવાની સ્પર્ધા તેજ બની છે.

બેંકે સ્પષ્ટતા કરી છે કે અન્ય તમામ મુદતની એફડી પર વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગ્રાહકો BOB વર્લ્ડ મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ અથવા નજીકની શાખા મારફતે આ યોજનામાં રોકાણ કરી શકશે, ઉપરાંત નવા ગ્રાહકો પણ બચત ખાતું ખોલાવ્યા વિના સીધા બેંકની વેબસાઇટ દ્વારા આ ખાસ એફડીનો લાભ લઈ શકશે.

(11:27 PM IST)