<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સ્વતંત્રતા દિવસ પહેલાં સેનાની મોટી સફળતા: શ્રીગંગાનગરમાં નકલી લશ્કરી ગણવેશ રેકેટનો પર્દાફાશ

બરેલીથી મળેલી ગુપ્ત બાતમીના આધારે આર્મી ઇન્ટેલિજન્સ અને રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન: ૧,૦૦૦ મીટરથી વધુ અનધિકૃત લડાયક કાપડ જપ્ત

શ્રીગંગાનગર :  સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં ભારતીય સેના અને રાજસ્થાન પોલીસે એક મોટું સુરક્ષા જોખમ ટાળીને સરહદી જિલ્લા શ્રીગંગાનગરમાંથી નકલી લશ્કરી ગણવેશ સપ્લાય કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા આ વિસ્તારમાં આર્મી ઇન્ટેલિજન્સ અને સ્થાનિક પોલીસે દરોડા પાડીને ૧,૦૦૦ મીટરથી વધુ અનધિકૃત ડિજિટલ પેટર્નનું યુદ્ધ કાપડ જપ્ત કર્યું છે. આ એ જ ખાસ પેટર્નનું કાપડ છે જેનો ઉપયોગ ભારતીય સૈનિકો દ્વારા કોમ્બેટ યુનિફોર્મ માટે કરવામાં આવે છે.

આ સમગ્ર મામલાની કડી ઉત્તર પ્રદેશના બરેલીથી મળી હતી, જ્યાં અગાઉ આ પ્રકારનું નકલી લડાયક કાપડ પકડાયું હતું. શંકાસ્પદોની કડક પૂછપરછ દરમિયાન સેનાની ગુપ્તચર શાખાને રાજસ્થાનના શ્રીગંગાનગર સ્થિત એક સ્થાનિક વેપારી પેઢી વિશે જાણવા મળ્યું હતું. આ પેઢી શ્રીગંગાનગર શહેર, લાલગઢ જટ્ટન અને સુરતગઢ જેવા આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારોની આસપાસની દુકાનોમાં ગેરકાયદેસર રીતે નકલી સૈન્ય કાપડ સપ્લાય કરતી હોવાનો ખુલાસો થયો હતો.

સેના દ્વારા ગુપ્ત માહિતી શેર કરાયા બાદ ૩૦ જુલાઈના રોજ વિવિધ દુકાનો પર પાડેલા આકસ્મિક દરોડામાં આ જથ્થો ઝડપાયો હતો. મેજર જનરલ એસ.કે. સિંહે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે સૈન્ય ગણવેશ કે તેના કાપડનું વેચાણ અને અનધિકૃત વપરાશ એ ગંભીર સજાપાત્ર ગુનો છે. આવા કાપડનો ઉપયોગ દેશવિરોધી તત્વો કે દુશ્મન દેશના ઘૂસણખોરો સૈનિકોનો વેશ ધારણ કરવા માટે કરી શકે છે, જે સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. હાલ પોલીસ અને આર્મી ઇન્ટેલિજન્સ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે.

(7:54 PM IST)