News of Thursday, 25th June 2026
જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસ સામસામે: કિશ્તવાડના પોલીસ સ્ટેશન પર લશ્કરી જવાનો તૂટી પડ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે આર્મીના કમાન્ડિંગ ઓફિસર, મેજર અને ૪૦ જવાનો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ
ખાનગી વાહનની જપ્તી બાબતે ઉભો થયેલો વિવાદ ઉગ્ર બન્યો; લોખંડના સળિયા અને લાકડીઓ સાથે કિલ્લા સમાન પોલીસ મથકની દીવાલો કૂદીને આવેલા લશ્કરી જવાનોએ સરકારી પ્રોપર્ટી અને ગાડીઓની તોડફોડ કરી એસએચઓનો યુનિફોર્મ ફાડી નાખ્યો હોવાનો એફઆઈઆરમાં દાવો: સેનાએ કાયદાકીય પ્રક્રિયામાં પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહાડી જિલ્લા કિશ્તવાડના અઠોલી (પાડર) પોલીસ સ્ટેશનમાં સેનાના જવાનો દ્વારા કથિત રીતે ઘૂસીને ભારે ઉત્પાત મચાવવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ લશ્કરી અધિકારીના ખાનગી વાહનની પોલીસે કરેલી જપ્તીના વિવાદમાં આ હિંસક વળાંક આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ૧૭ રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) ના કમાન્ડિંગ ઓફિસર કર્નલ, મેજર અને નાયબ સુબેદાર સહિત અંદાજે ૩૦ થી ૪૦ લશ્કરી જવાનોના ટોળા સામે સ્થાનિક પોલીસ મથકમાં કાયદાના રક્ષકો પર જ જીવલેણ હુમલો કરવા, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા તેમજ હત્યાનો પ્રયાસ (એટેમ્પ્ટ ટુ મર્ડર) કરવા બદલ ગુનો નોંધી કાયદાકીય તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, અઠોલી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) ઇન્સ્પેક્ટર અમૃત કોટાચ જ્યારે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી એક સત્તાવાર સરકારી બેઠકમાં હાજરી આપવા ગયા હતા, ત્યારે બપોરના સમયે કીજઇ સ્થિત ૧૭ રાષ્ટ્રીય રાઇફલ્સ કેમ્પના જવાનોનું એક મોટું ટોળું હથિયારો સાથે પોલીસ મથકે ધસી આવ્યું હતું. એફઆઈઆરમાં આક્ષેપ કરાયો છે કે કમાન્ડિંગ ઓફિસર કર્નલ એન. અરુણ ગાંધીના સીધા આદેશ અને માર્ગદર્શન હેઠળ મેજર વિકાસ શર્મા અને નાયબ સુબેદાર શંકર ગુરખે આ આખા ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ લશ્કરી જવાનો લોખંડના સળિયા, લાકડીઓ અને સરકારી હથિયારો સાથે પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા તેમજ કમ્પાઉન્ડની ઊંચી દીવાલો કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને ફરજ પરના પોલીસકર્મીઓ પર પૂર્વ આયોજિત રીતે તૂટી પડ્યા હતા.
આ હિંસક ઘર્ષણની માહિતી મળતા જ જ્યારે એસએચઓ અમૃત કોટાચ અને સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) વિજય કુમાર ભગત તાબડતોબ પોલીસ સ્ટેશને દોડી આવ્યા, ત્યારે લશ્કરી જવાનોએ તેમના પર પણ હુમલો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન હુમલાખોરોએ એસએચઓનો સત્તાવાર યુનિફોર્મ ફાડી નાખ્યો હતો. આ ઉપરાંત, ત્યાં ફરજ પર તૈનાત સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) સુરેશ કુમારને રાઇફલના પાછળના ભાગ (બટ્ટ) વડે ગરદન પર ગંભીર ફટકો મારવામાં આવતા તેઓ લોહીલુહાણ થયા હતા, જ્યારે અન્ય કેટલાય પોલીસકર્મીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આટલું જ નહીં, ઘટના સમયે ત્યાં હાજર આસિસ્ટન્ટ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (ARTO) અને તેમના પર્સનલ સિક્યોરિટી ઓફિસર્સને પણ જવાનોએ માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
લશ્કરી જવાનોના આ કથિત આક્રોશનો ભોગ સરકારી પ્રોપર્ટી પણ બની હતી. આક્રમક ટોળાએ અઠોલી પોલીસ મથકનો મુખ્ય લોખંડનો દરવાજો તોડી પાડ્યો હતો અને કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એઆરટીઓ, એસડીપીઓ અને એસએચઓની સત્તાવાર સરકારી ગાડીઓના કાચ ફોડી નાખી ભારે તોડફોડ કરી હતી. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર નંબર ૧૭/૨૦૨૬ માં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગેરકાયદે મંડળી રચવી, તોફાન કરવું, ગુનાહિત પેશકદમી, ફરજ પરના સરકારી કર્મચારી પર હુમલો, હત્યાનો પ્રયાસ અને સરકારી સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમની આકરી કલમો જોડવામાં આવી છે. કેસમાં કર્નલ ગાંધી, મેજર શર્મા, નાયબ સુબેદાર ગુરખે ઉપરાંત સિપોઈ રાજ કુમાર, રાહુલ કુમાર, અનૂપ સિંહ, ઓમકાર ઈંગલે અને અન્ય અજાણ્યા જવાનોને આરોપી તરીકે નામાંકિત કરાયા છે.
આ સંવેદનશીલ અને ગંભીર મામલે આર્મીના જમ્મુ સ્થિત પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બર્થવાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, સ્થાનિક પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર અંગે લશ્કરી સ્તરે સંસ્થાકીય મિકેનિઝમ દ્વારા યોગ્ય તપાસ અને સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય સેના કાયદાકીય પ્રક્રિયામાં સ્થાનિક વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપશે અને પોલીસ તેમજ આર્મીની આ સંયુક્ત તપાસના અંતે જે પણ તારણો બહાર આવશે તેના આધારે કડક અને યોગ્ય પગલાં લેવામાં આવશે. સમગ્ર મામલાની સંવેદનશીલતાને જોતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આદર્શ કાંતને આ હાઈ-પ્રોફાઈલ કેસની આગળની સઘન તપાસ સોંપવામાં આવી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
