<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

શરીરની વધારાની ગરમી અને પિત્ત દોષથી છો પરેશાન? આચાર્ય બાલકૃષ્ણજીએ દર્શાવ્યા ૪ અદ્ભુત આયુર્વેદિક અને કુદરતી ઉપાયો

મસાલેદાર ખોરાક અને તણાવથી વધતી ગરમીને કંટ્રોલ કરવા સત્તુ, ધાણા અને એલોવેરા સંજીવની સમાન: આંતરિક ઠંડક સાથે પાચનશક્તિ પણ મજબૂત થશે

હરિદ્વાર : બદલાતી જીવનશૈલી, મસાલેદાર ખોરાક, ચિંતા અને તણાવના કારણે ઘણા લોકોને કોઈ બીમારી ન હોવા છતાં શરીરની વધારાની ગરમી (Body Heat) નો સામનો કરવો પડે છે. આયુર્વેદ અનુસાર, શરીરની આ ગરમી એ 'પિત્ત દોષ'ની અસંતુલિતતા દર્શાવે છે. પતંજલિ આયુર્વેદના સહ-સ્થાપક આચાર્ય બાલકૃષ્ણજીના જણાવ્યા મુજબ, યોગ્ય આહાર અને કુદરતી ઉપાયો દ્વારા કોઈપણ આડઅસર વગર શરીરની ગરમીને સરળતાથી શાંત કરી શકાય છે.

૧. સત્તુનું શરબત: કુદરતી કૂલર અને પોષણનો ખજાનો

આચાર્ય બાલકૃષ્ણજી સૂચવે છે કે થોડું સત્તુ (શેકેલા જવ અથવા ચણાનો લોટ) પાણીમાં ઉમેરી, તેમાં થોડું મધ મેળવીને પાતળું પીણું બનાવી પીવાથી શરીરને તાત્કાલિક ઠંડક મળે છે. આ પીણું યુરિનરી ટ્રેક્ટને સાફ કરે છે, ગરમી શમાવે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે.

૨. ધાણાનું પાણી: પિત્ત દોષ અને એસિડિટીનો અચૂક ઇલાજ

ધાણાના બીજ કુદરતી રીતે શરીરને અંદરથી ઠંડુ રાખવા અને વધારાના પિત્ત દોષને શાંત કરવા માટે અત્યંત ગુણકારી છે.

·         કેવી રીતે વાપરવું: રાત્રે ૨ થી ૩ ચમચી આખા ધાણા પાણીમાં પલાળી રાખો. સવારે આ પ્રવાહી ગાળીને પી જવું. વધુ તાજગી અને ઠંડક માટે તેમાં ફુદીનાના પાન પણ ઉમેરી શકાય છે.

૩. નારિયેળ પાણી અને લીંબુનું મિશ્રણ: ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ

દરરોજ નારિયેળ પાણી પીવાથી શરીરમાંથી ઘટેલા ખનિજો અને હાઇડ્રેશનની ઝડપથી પૂર્તિ થાય છે. ગરમી અને બળતરા ઓછી કરવા માટે નારિયેળ પાણીમાં કાકડીનો રસ અથવા લીંબુનો રસ ઉમેરીને પીવાથી વિટામિન C અને સોડિયમની માત્રા મળે છે, જે પાચનશક્તિ સુધારે છે.

૪. એલોવેરા જ્યુસ: આંતરિક અને બાહ્ય તંદુરસ્તી

એલોવેરા શરીરની આંતરિક ગરમી દૂર કરવાનો ઉત્તમ વિકલ્પ છે. સવારે નયણા કોઠે (ખાલી પેટે) એક ગ્લાસ પાણીમાં બે ચમચી એલોવેરા જ્યુસ ઉમેરીને પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને ગરમીથી રાહત મળે છે. કાકડી, ફુદીનો અને લીંબુ સાથે એલોવેરાનું મિશ્રણ આખો દિવસ તાજગી આપે છે.

(8:51 PM IST)