<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ઈંગ્લેન્ડમાં રશિયા માટે જાસૂસી કરતા અમેરિકની સૈનિકની ધરપકડ, આતંકવાદ વિરોધી પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ અમેરિકન સૈનિકની અટકાયત, એફબીઆઈ અને યુએસ મિલિટરીના સંયુક્ત ઓપરેશનમાં ખુિલ્યું કાવતરું

લંડન : ઈંગ્લેન્ડથી મંગળવારે એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે, જ્યાં આતંકવાદ વિરોધી પોલીસે રશિયા સાથે સંકળાયેલા જાસૂસી રેકેટનો પર્દાફાશ કરીને એક અમેરિકન આર્મી સૈનિકની ધરપકડ કરી છે. યુકે અને અમેરિકા લાંબા સમયથી ગાઢ અને મુખ્ય વ્યૂહાત્મક સાથી રહ્યા છે અને બ્રિટનમાં મોટી સંખ્યામાં યુએસ લશ્કરી કર્મચારીઓ તૈનાત છે, તેવા સંજોગોમાં મિત્ર દેશના જ સૈનિક દ્વારા જાસૂસી કરવાના આ અહેવાલે સુરક્ષા બેડામાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

ઈંગ્લેન્ડની આતંકવાદ વિરોધી પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા યુએસ સૈનિક પર રશિયાની વિદેશી ગુપ્તચર સેવાને ગુપ્ત રીતે મદદ કરવાનો અને સંવેદનશીલ સુરક્ષિત માહિતી મેળવીને તેને જાહેર કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ શંકાસ્પદ સૈનિક સામે બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ ૨૦૨૩ (National Security Act 2023) ની કલમોનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ હાઈ-પ્રોફાઈલ જાસૂસી કેસના પર્દાફાશમાં અમેરિકી સુરક્ષા એજન્સીઓ પણ સક્રિયપણે સામેલ રહી છે. બ્રિટનની મેટ્રોપોલિટન પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને યુએસ મિલિટરી સાથે મળીને કામ કરતા તેના કાઉન્ટર-ટેરરિઝમ યુનિટે સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ શંકાસ્પદ અમેરિકન સૈનિકને દબોચી લીધો છે.

અગાઉ ઓક્ટોબરમાં ઈંગ્લેન્ડમાં યુએસ મિલિટરી એરબેઝ પર હુમલાના કાવતરાનો પર્દાફાશ થયો હતો અને તાજેતરમાં ઈરાની ધમકીઓના પગલે યુએસ એરફોર્સે પૂર્વી ઈંગ્લેન્ડના એરબેઝ પરથી રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ જર્મની તથા યુરોપના અન્ય બેઝ પર ખસેડ્યા હતા. આ તમામ ઘટનાઓ વચ્ચે લશ્કરી કર્મચારી દ્વારા જાસૂસીનો આ નવો મામલો બહાર આવતા આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની તપાસ વધુ સઘન બને તેવી પૂરી સંભાવના છે

(3:21 PM IST)