તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 12th November 2026
બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સર્જાવાની શક્યતા ‘અકવાન’ નામનું વાવાઝોડું 17 નવેમ્બરે આકાર લેશે: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે ગુજરાતમાં ઝાકળ વર્ષા જામશે.
બંગાળની ખાડીમાં સતત બીજી વખત વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાના એંધાણ | લદ્દાખ, શ્રીનગર અને હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે

બંગાળની ખાડીમાં ફરી એક નવી વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. આગામી દિવસોમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થયા બાદ ક્રમશઃ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની અને ત્યારબાદ ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની શક્યતા હવામાન નિષ્ણાત રમેશ બસિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને 'અકવાન' (AKVAN) નામ આપવામાં આવે તેવી ચર્ચા છે.
હવામાન નિષ્ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા, ટંકારા)ના જણાવ્યા અનુસાર, આવતીકાલથી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
આ સિસ્ટમ 14 નવેમ્બરે વધુ મજબૂત બની વેલ માર્ક્ડ લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ 15 નવેમ્બરે ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને અંદાજે 17 નવેમ્બરની આસપાસ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
એક તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાવાની શક્યતા છે.
આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન લદ્દાખ, શ્રીનગર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની શક્યતા છે.
જ્યારે મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ભારતના હવામાન ફેરફારની અસરના ભાગરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાઈ શકે છે.
ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક સીમિત વિસ્તારોમાં 14થી 16 નવેમ્બર દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
કેટલાક વિસ્તારોમાં ઘાટાં વાદળો છવાવાની સાથે છૂટાછવાયા હળવા છાંટા પડવાની પણ શક્યતા છે. જોકે સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ વ્યાપક શક્યતા હાલ દર્શાવવામાં આવી નથી.
આગામી દિવસોમાં કચ્છના કેટલાક વિસ્તારો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઝાકળવર્ષા એટલે કે ધુમ્મસ જોવા મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત 15 નવેમ્બર બાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
