News of Friday, 29th May 2026
રાત્રે ભુજમાં અમિતભાઈ શાહનું ઉષ્માભેર સ્વાગત: આજે સરહદે નવી ચોકી ખુલી મૂકી સુરક્ષા વ્યવસ્થાની વ્યૂહાત્મક સમીક્ષા કરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે જોડાશે, પાકિસ્તાન સરહદે કંટ્રોલ રૂમનું નિરીક્ષણ, સુરક્ષા દળો સાથે વિશેષ બેઠક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગઈકાલે રાત્રે ભુજ પહોંચી આવ્યા હતા. રાત્રે ભુજમાં અમિતભાઈનું કચ્છ ભાજપ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
મોટી સંખ્યામાં ઉમટેલ કાર્યકરો ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, પ્રભારી ફલજીભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ અમિતભાઈને ઉમળકાભેર આવકાર્યા હતા.
જોકે, પાકિસ્તાનને જોડતી કચ્છ સરહદના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની આ મુલાકાત વ્યૂહાત્મક દ્રષ્ટિએ અતિ મહત્વની મનાઈ રહી છે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર શ્રી શાહ સરહદે તૈનાત બીએસએફની જી-૭ ચોકીને ખુલી મૂકી જવાનો સાથે સંવાદ કરશે.
ત્યારબાદ આઉટપોસ્ટ ટાવર ૧૧૭૦ ઉપર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સુરક્ષાનું નિરીક્ષણ કરશે. અહીંથી તેઓ અતિ સંવેદનશીલ એવી હરામીનાળા સરહદ ઉપર જશે અહીં વૃક્ષારોપણ કરશે.
ત્યારબાદ તેઓ બીએસએફ હેડક્વાર્ટર મધ્યે સુરક્ષા દળો સાથે વિશેષ બેઠક યોજશે. આ પ્રવાસમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે રહેશે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
