News of Saturday, 23rd May 2026
અમેરિકાના કટ્ટર દુશ્મન અને ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ: શું જનરલ અહમદ વાહિદી દોરશે ઈરાનનું ભાવિ?
૧૯૯૪ના આર્જેન્ટિના બોમ્બ બ્લાસ્ટના આરોપી અને કુદ્સ ફોર્સના પ્રથમ વડાએ મોહમ્મદ પાકપુરના મોત બાદ IRGCની કમાન સંભાળી: ટ્રમ્પની ધમકી સામે આરપારના જંગની આપી ચેતવણી

તેહરાન : ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવ અને સંભવિત મહાયુદ્ધના ભય વચ્ચે પશ્ચિમ એશિયાના રાજકારણમાં એક અત્યંત શક્તિશાળી અને કટ્ટરપંથી નામ તેજીથી ઉભરી આવ્યું છે, અને તે છે બ્રિગેડિયર જનરલ અહમદ વાહિદી. વર્ષ ૨૦ Roman ૨૬ના પ્રારંભે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાની આર્મીના પૂર્વ કમાન્ડર મોહમ્મદ પાકપુરના આકસ્મિક મોત બાદ, વાહિદીએ ઈરાનના સૌથી ઘાતક લશ્કરી સંગઠન 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) નું સુકાન પોતાના હાથમાં લીધું છે. વોશિંગ્ટન અને ઇન્ટરપોલ બંનેની નજરે ચડેલા જનરલ વાહિદી અત્યારે ઈરાનની આખી લશ્કરી વ્યુહરચના અને જવાબી હુમલાના નિર્ણયો પાછળના મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે.
૧૯૫૮માં જન્મેલા અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા અહમદ વાહિદીનો ઇતિહાસ ઘણો વિવાદાસ્પદ અને લોહિયાળ રહ્યો છે. તેઓ ઈરાનની કુખ્યાત કુદ્સ ફોર્સના પ્રથમ કમાન્ડર રહી ચૂક્યા છે, ઉપરાંત તેમણે દેશના સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે પણ સેવા આપી છે. વર્ષ ૧૯૯૪માં આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં એક યહૂદી સમુદાયના કેન્દ્ર પર થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટમાં ૮૫ લોકોના મોત થયા હતા, જેમાં માસ્ટરમાઇન્ડ તરીકે ઇન્ટરપોલ વર્ષોથી તેમની તલાશ કરી રહ્યું છે. આ સિવાય વર્ષ ૨૦૨૨માં મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોને સૈન્યના જોરે નિર્દયતાથી દબાવવા બદલ અમેરિકાએ તેમના પર આકરા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ લાદેલા છે.
હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ જેવા વૈશ્વિક તેલ પુરવઠાના સૌથી મોટા દરિયાઈ માર્ગ પર ઈરાને સૈન્ય દબાણ વધારી દીધું છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ઈંધણ સંકટ ઘેરૂ બન્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કોઈ પણ શરતે પરમાણુ કે સૈન્ય કરાર કરવા અથવા તો ફરીથી ભયાનક સૈન્ય હુમલાનો સામનો કરવા ખુલ્લી ચેતવણી આપી છે. આ ધમકીના જવાબમાં જનરલ વાહિદીએ સિંહગર્જના કરતા સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા બીજી વાર ભૂલ કરશે, તો આ સંઘર્ષ માત્ર મધ્ય-પૂર્વ પૂરતો સીમિત નહીં રહે પરંતુ અમેરિકા અને તેના સાથી દેશોએ ક્યારેય ન જોયો હોય તેવો વિનાશ વહોરવો પડશે. ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના નિષ્ણાતો પણ માને છે કે વાહિદીની કટ્ટર વિચારધારાને કારણે હવે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની શાંતિ વાર્તા શક્ય જણાતી નથી.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
