News of Friday, 17th April 2026
બ્રહ્માંડનું અદભૂત રહસ્ય: પ્રથમ શોધાયેલા બ્લેક હોલમાંથી નીકળે છે 10,000 સૂર્ય જેટલી પ્રચંડ ઊર્જા, વૈજ્ઞાનિકોએ નોંધ્યું 'કોસ્મિક ડાન્સ'
33.5 કરોડ માઈલ પ્રતિ કલાકની ઝડપે ફેંકાય છે પ્લાઝ્માના જેટ; સિગ્નસ X-1 બ્લેક હોલના 'એનર્જી બજેટ'નો પહેલીવાર થયો સચોટ ખુલાસો

ઓક્સફર્ડ, તા. 17: બ્રહ્માંડના સૌથી રહસ્યમય પદાર્થ ગણાતા બ્લેક હોલ વિશે વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારી શોધ કરી છે. માનવજાત દ્વારા સૌથી પહેલીવાર શોધાયેલા બ્લેક હોલ 'સિગ્નસ X-1' (Cygnus X-1) માંથી ઉત્સર્જિત થતી ઊર્જાનું માપ કાઢવામાં ખગોળશાસ્ત્રીઓને સફળતા મળી છે. 'નેચર એસ્ટ્રોનોમી'માં પ્રકાશિત અહેવાલ મુજબ, આ બ્લેક હોલ તેમાંથી પ્રચંડ ગતિએ 'નૃત્ય કરતા' જેટ (Jets) ફેંકે છે, જેની તેજસ્વીતા હજારો સૂર્ય સમાન છે.
પ્રકાશની અડધી ગતિએ પ્રવાસ
વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે આ બ્લેક હોલમાંથી નીકળતા પ્લાઝ્માના પ્રવાહો (જેટ્સ) આશરે 335 મિલિયન (33.5 કરોડ) માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે, જે પ્રકાશની ગતિ કરતા અડધી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના રેડિયો ખગોળશાસ્ત્રી સ્ટીવ પ્રાબુએ જણાવ્યું કે, આ જેટ્સ બ્રહ્માંડની સૌથી વધુ ઊર્જાસભર ઘટનાઓમાંની એક છે. પૃથ્વીથી 7,000 પ્રકાશ-વર્ષ દૂર સ્થિત આ બ્લેક હોલ સૂર્ય કરતા 21 ગણો મોટો છે અને તે એક વિશાળ વાદળી તારા (HDE 226868) ની આસપાસ ભ્રમણ કરી રહ્યો છે.
કેમ કહેવાય છે 'નૃત્ય કરતા' જેટ?
સિગ્નસ X-1 તેના સાથી તારાના તારાકીય પવનો સાથે સતત અથડાય છે. આ પવનોને કારણે બ્લેક હોલમાંથી નીકળતા જેટ્સ સીધા જવાને બદલે વળાંક લે છે અથવા ધ્રુજે છે. પ્રાબુએ આ ઘટનાને "નૃત્ય" (Dancing Jets) તરીકે ઓળખાવી છે. વિશ્વભરના રેડિયો ટેલિસ્કોપના ડેટાને જોડીને આ 'સૅશિંગ સ્ટ્રીમ્સ'ને ટ્રેક કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધી અશક્ય માનવામાં આવતું હતું.
બ્લેક હોલ માટે 'કેલરી ગણવા' જેવું કામ
આ સંશોધનના સહ-લેખક પ્રોફેસર જેમ્સ મિલર-જોન્સે આ પ્રક્રિયાને બ્લેક હોલ માટે "કેલરી ગણવા" (Calorie counting) સાથે સરખાવી છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે બ્લેક હોલ જે પદાર્થ ગળે છે, તેની 10 ટકા ઊર્જા આ જેટ્સ દ્વારા પાછી બ્રહ્માંડમાં ફેંકાય છે. આ માહિતી પરથી હવે સમજી શકાશે કે બ્લેક હોલ કેટલી ઝડપથી ખોરાક લઈ રહ્યો છે અને તે કેવી રીતે તેની આસપાસની ગેલેક્સીઓ (તારાવિશ્વો) ને આકાર આપે છે.
ગેલેક્સીના ઉત્ક્રાંતિ પર અસર
વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રચંડ જેટ્સ માત્ર ઉર્જા ફેંકતા નથી, પરંતુ તે ગેલેક્સીના કેન્દ્રમાં નવી કોસ્મિક રચનાઓને પણ પ્રભાવિત કરે છે. મોટા પાયે આ જેટ્સ તેમની યજમાન ગેલેક્સીઓના ઉત્ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ નવી શોધ બ્લેક હોલના "ઊર્જા બજેટ" ને સમજવા માટે અને બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા માટે એક મોટું સીમાચિહ્ન સાબિત થશે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
