News of Saturday, 9th May 2026
તમિલનાડુમાં 'ગઠબંધન ધર્મ' પર સવાલો: એમ.કે. સ્ટાલિને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, વિજયની પાર્ટીને ટેકો આપવા બદલ સાથી પક્ષને ગણાવ્યો વિશ્વાસઘાતી!
DMKના વડાએ પૂર્વ સાથી પર નિશાન સાધી કહ્યું - "જીત્યા પછી આભાર માનવા પણ ન આવ્યા"; નવી સરકારને દ્રવિડિયન યોજનાઓ ચાલુ રાખવા વિનંતી, રચનાત્મક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવાની જાહેરાત

ચેન્નઈ : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામો બાદ રાજ્યમાં નવો રાજકીય ભૂકંપ આવ્યો છે. ડીએમકે (DMK) પ્રમુખ અને વિદાય લેતા મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શનિવારે તેમના લાંબા ગાળાના સાથી પક્ષ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ગઠબંધન તોડીને અભિનેતા જોસેફ વિજયની પાર્ટી 'તમિલગા વેટ્ટરી કઝગમ' (TVK) ને સમર્થન આપવાનું નક્કી કરતા સ્ટાલિને આક્રોશ ઠાલવ્યો છે.
કોંગ્રેસની 'બેવફાઈ' પર સ્ટાલિનનો પલટવાર
એમ.કે. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ મૂકીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, કોંગ્રેસના જે પાંચ ધારાસભ્યોએ ગઠબંધનના જોરે ચૂંટણી લડી અને જીત મેળવી, તેઓ આભાર માનવા માટે ડીએમકેના મુખ્ય મથક 'અન્ના અરીવાલયમ' પણ આવ્યા નથી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે તે જ દિવસે ડીએમકે સાથેના સંબંધો કાપી નાખ્યા અને અલગ રસ્તો પકડી લીધો.
સાચા સાથીઓનો માન્યો આભાર
જ્યારે બીજી તરફ, સીપીઆઈ (CPI), સીપીએમ (CPM) અને વીસીકે (VCK) જેવા પક્ષોએ નવી સરકારને ટેકો આપવા છતાં ડીએમકે સાથેનું ગઠબંધન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સ્ટાલિને કટોકટીના સમયે તેમની સાથે ઉભેલા નેતાઓ જેવા કે વાઈકો, પ્રેમલતા વિજયકાંત અને તમીમુન અંસારીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ડીએમકે નવી સરકારની રચનામાં કોઈ અવરોધ ઉભો કરશે નહીં અને એક 'રચનાત્મક વિપક્ષ' તરીકે જવાબદારી નિભાવશે.
નવી સરકારને ખાસ વિનંતી
રાજ્યમાં કોઈને સ્પષ્ટ બહુમતી ન મળવા છતાં સ્થિર સરકાર રચાય તે માટે સ્ટાલિને સાથી પક્ષોના નિર્ણયને માન આપવાની વાત કરી છે જેથી ફરીથી ચૂંટણીનો સામનો ન કરવો પડે. તેમણે ભાવુક અપીલ કરતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં તેમની સરકારે મહિલાઓ, યુવાનો અને વંચિતો માટે જે દૂરંદેશી યોજનાઓ શરૂ કરી છે, નવી સરકાર તે જનહિતમાં ચાલુ રાખે. તેમણે આશા વ્યક્ત કરી કે નવી સરકાર આ બાબતોને ધ્યાનમાં રાખીને તમિલનાડુના વિકાસની ગતિ જાળવી રાખશે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
