<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા CEO ની નિમણૂક પર અખિલેશ યાદવના આકરા પ્રહાર: કહ્યું- "નવા વહીવટથી ભૂતકાળના ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓના સવાલો નહીં ભૂંસાય"

જમીન કૌભાંડ અને દાનની ચોરીને લઈને ભાજપ સરકાર પર સાધ્યું નિશાન; સામાન્ય કર્મચારીઓને જેલમાં ધકેલીને મોટા નામવાળા લોકો છટકી ગયાનો ગંભીર આક્ષેપ

લખનૌ : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત પૂર્ણ-સમયના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક કરવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. આ નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ સરકાર અને મંદિર ટ્રસ્ટની કામકાજ શૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નવા વહીવટી અધિકારીની નિમણૂક થવાથી ભૂકાળમાં થયેલી આર્થિક અનિયમિતતાઓ અને કૌભાંડોના પ્રશ્નો પર પડદો નહીં પડી જાય.

 

અખિલેશ યાદવે રામ મંદિરમાં આવેલા ભક્તોના દાન અને નાણાકીય વ્યવહારો પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં 'રામ ધન' અને દાનની ચોરીના મામલામાં માત્ર નાના કે નીચલા સ્તરના કર્મચારીઓને બલિનો બકરો બનાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યા, જ્યારે મોટા નામો ધરાવતા શખ્સોને ખુલ્લેઆમ ફરવા દેવામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે હવે પછી મંદિરના ભંડોળમાં કોઈ ગેરરીતિ નહીં થાય.

 

અયોધ્યાના વિકાસ અને જમીન કૌભાંડો મુદ્દે સરકાર ઘેરાઈ

 

માત્ર મંદિર વહીવટ જ નહીં, પરંતુ અયોધ્યા શહેરમાં થઈ રહેલા વિકાસ કાર્યો પર પણ અખિલેશ યાદવે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિકાસના નામે અયોધ્યામાં મોટાપાયે જમીન સંબંધિત ગેરરીતિઓ આચરવામાં આવી છે. ગરીબ રહેવાસીઓની જમીનો સંપાદિત કરવામાં આવી છે પરંતુ તેમને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. અખિલેશ યાદવે ઉમેર્યું હતું કે અયોધ્યાનો વિકાસ આવકાર્ય છે, પરંતુ ત્યાંના સ્થાનીય રહેવાસીઓ અને ગરીબોના હિતોનું ભોગ આપીને કે અન્યાય કરીને વિકાસ થઈ શકે નહીં. ભાજપે પોતાના અંગત સ્વાર્થ અને લોભને કારણે અયોધ્યાના વિકાસને વિવાદાસ્પદ બનાવ્યો છે.

 

(8:23 PM IST)