News of Wednesday, 18th November 2026
સાઉદી અરેબિયામાં વધતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે ઇન્ડિગો સહિતની એરલાઇન્સે ૩૦ નવેમ્બર સુધી તમામ ફ્લાઇટ્સ કરી રદ
યમનના હુથી બળવાખોરોના હુમલા અને પ્રાદેશિક તણાવને પગલે મુસાફરોની સુરક્ષાને સર્વોપરી રાખીને વિમાન કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે.

નવી દિલ્હી : સાઉદી અરેબિયામાં પ્રાદેશિક અસ્થિરતા અને અચાનક વધી ગયેલા સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ભારતની અગ્રણી વિમાન કંપની ઇન્ડિગો દ્વારા આગામી ૩૦ નવેમ્બર સુધી સાઉદી અરેબિયાના ચાર પ્રમુખ શહેરો માટેની પોતાની તમામ ફ્લાઇટ સેવાઓ તાત્કાલિક ધોરણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ગંભીર નિર્ણય અંતર્ગત ઇન્ડિગો એરલાઇન્સે જેદ્દાહ, મદીના, રિયાધ અને દમ્મામ જતી તેમજ ત્યાંથી આવતી તમામ ઉડાનોને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે, જેના કારણે હવાઈ માર્ગે મુસાફરી કરતા હજારો પ્રવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
સંબંધિત વિમાન કંપનીઓના સત્તાવાર નિવેદન અનુસાર, આ પગલું ભરવાનું મુખ્ય કારણ યમનના હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના એરપોર્ટ અને ક્ષેત્રોને નિશાન બનાવીને સતત કરવામાં આવી રહેલા ડ્રોન તથા મિસાઇલ હુમલાઓ છે, જેના કારણે મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી જોખમાઈ રહી છે.
અગાઉ પણ એર ઇન્ડિયા અને અકાસા એર જેવી અન્ય વિમાન કંપનીઓ દ્વારા પણ આ જ સુરક્ષા કારણોસર રિયાધ અને દમ્મામ માટેની પોતાની ઉડાનોને ૩૦ નવેમ્બર સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.
ફ્લાઇટ્સ રદ થવાને કારણે પ્રભાવિત થયેલા મુસાફરોને બુકિંગ વખતે આપેલી સંપર્ક માહિતી અને મેસેજ દ્વારા સમયસર સૂચિત કરવામાં આવી રહી છે, તેમજ કંપનીઓ દ્વારા મુસાફરોને રિફંડ અથવા અન્ય જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આગામી સમયમાં પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અને સુરક્ષાનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી જ વિમાન કંપનીઓ દ્વારા સાઉદી અરેબિયા માટેની ફ્લાઇટ સેવાઓ પુનઃ શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
