તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 1st July 2026
ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે એર માર્શલ આશુતોષ દિક્ષિતે સંભાળ્યો ચાર્જ, 'ઓપરેશન સિંદૂર'ના હીરોને મળ્યું મોટું પ્રમોશન
એર માર્શલ નાગેશ કપૂરની નિવૃત્તિ બાદ વાયુ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયું ભવ્ય સ્વાગત; મિરાજ અને મિગ જેવા લડાયક વિમાનો ઉડાવવાનો ધરાવે છે ૩,૩૦૦ કલાકનો બહોળો અનુભવ

નવી દિલ્હી, તા.૦૧: કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં મે ૨૦૨૫માં સેના દ્વારા ચલાવવામાં આવેલા ઐતિહાસિક 'ઓપરેશન સિંદૂર'માં સેનાની ત્રણેય પાંખો વચ્ચે અદભુત સંકલન સાધીને દેશની સુરક્ષા અભેદ્ય બનાવનારા એર માર્શલ આશુતોષ દિક્ષિતે બુધવારે ભારતીય વાયુસેના (IAF) ના નવા વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ (VCAS) તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. વાયુસેનાના મુખ્ય મથક 'વાયુ ભવન' ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નવી જવાબદારી સંભાળતા પહેલાં, તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) ની મુલાકાત લઈને દેશની રક્ષા કાજે શહીદ થયેલા વીર નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
ચાર દાયકાની સેવા બાદ નાગેશ કપૂર નિવૃત્ત
એર માર્શલ આશુતોષ દિક્ષિત વાયુસેનામાં એર માર્શલ નાગેશ કપૂરનું સ્થાન લેશે. એર માર્શલ નાગેશ કપૂર ભારતીય વાયુસેનામાં ચાર દાયકા (૪૦ વર્ષ) ની ગૌરવશાળી અને પ્રશંસનીય સેવા આપ્યા બાદ ગત ૩૦ જૂને નિવૃત્ત થયા છે. વાઇસ ચીફ તરીકે નિયુક્ત થતાં પહેલાં એર માર્શલ દિક્ષિત હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) ખાતે ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (CISC) તરીકે દેશની સેવા કરી રહ્યા હતા. હવે તેમની જગ્યાએ એર માર્શલ તેજિન્દર સિંહ આગામી CISC તરીકે નિયુક્ત થવાના છે.
'ઓપરેશન સિંદૂર' અને સેનાના આધુનિકીકરણના શિલ્પી
એર માર્શલ દિક્ષિતનો હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ખાતેનો કાર્યકાળ સીમાચિહ્નરૂપ સફળતાઓથી ભરેલો રહ્યો છે. મે ૨૦૨૫માં જ્યારે આતંકી હુમલાના જવાબમાં લગભગ ૮૮ કલાક લાંબુ લશ્કરી ઓપરેશન 'ઓપરેશન સિંદૂર' હાથ ધરાયું, ત્યારે તેમણે ત્રણેય સેનાઓ વચ્ચે એકીકરણ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેમણે સેનાની ત્રણેય પાંખોના સંયુક્ત વિચારને સંસ્થાકીય બનાવવા માટે ૨૦ સંયુક્ત સિદ્ધાંતો અને પ્રાઇમર્સનું પ્રકાશન કર્યું, 'રણ સંવાદ ૨૦૨૫ અને ૨૦૨૬' જેવા અભૂતપૂર્વ મિલિટરી પ્લેટફોર્મની કલ્પના કરી અને 'સંરક્ષણ દળો વિઝન 2047' નો રોડમેપ તૈયાર કર્યો, જે ભારતીય સૈન્યને ભવિષ્ય માટે ટેકનોલોજી-સંચાલિત અને હાઇટેક બનાવશે.
૨૦થી વધુ પ્રકારના ફાઇટર પ્લેન ઉડાવવાનો મહારથ
ડિસેમ્બર ૧૯૮૬માં ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન મેળવનારા એર માર્શલ આશુતોષ દિક્ષિત નેશનલ ડિફેન્સ એકેડેમી (ખડકવાસલા), ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (બાંગ્લાદેશ) અને નેશનલ ડિફેન્સ કોલેજ (નવી દિલ્હી) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ એક લાયક ફ્લાઇંગ પ્રશિક્ષક અને પ્રાયોગિક પરીક્ષણ પાઇલટ છે. તેમને મિરાજ-૨૦૦૦, મિગ-૨૧ અને જગુઆર જેવા અત્યંત ઘાતક અને આધુનિક ૨૦ થી વધુ પ્રકારના વિમાનો પર ૩,૩૦૦ કલાકથી વધુ સમય ઉડાન ભરવાનો બહોળો અને શાનદાર અનુભવ છે. તેમની આ નવી નિમણૂકથી ભારતીય વાયુસેનાની વ્યૂહાત્મક શક્તિને વધુ વેગ મળશે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
