<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

યુપીના સિદ્ધાર્થનગરમાં પાણીની ટાંકી પર ફસાયેલા કિશોરોનું હેલિકોપ્ટર દ્વારા સાહસિક રેસ્ક્યુ : 15 કલાક બાદ બે બાળકો સુરક્ષિત નીચે ઉતારાયા

ટાંકીની સીડી તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં એક બાળકનું મોત અને બે ઈજાગ્રસ્ત : SDRFની નિષ્ફળતા બાદ ડ્રોનથી બિસ્કિટ-પાણી પહોંચાડી વહેલી સવારે હેલિકોપ્ટરની મદદથી જીવ બચાવવામાં આવ્યો

 સિદ્ધાર્થનગર: ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં કાંશીરામ આવાસ યોજનાની પાણીની ટાંકી પર સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં પંદર કલાકથી વધુ સમય સુધી ટાંકી ઉપર ફસાયેલા બે કિશોરોને આખરે રવિવારે વહેલી સવારે હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે. શનિવારે બપોરે ટાંકીની સીડી તૂટી પડતા પાંચ બાળકો પૈકી ત્રણ નીચે પટકાયા હતા, જ્યારે બે ઉપર જ ફસાઈ ગયા હતા.

 સીડી તૂટતા એકનું મોત, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત:

શનિવારે બપોરે આશરે બે વાગ્યે કાંશીરામ આવાસની પાણીની ટાંકી પર પાંચ બાળકો ચઢ્યા હતા ત્યારે અચાનક ટાંકીની લોખંડની સીડી ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ બાળકો નીચે પટકાયા હતા, જેમાંથી એકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે અને અન્ય બે બાળકોને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. પવન અને કલ્લુ નામના બે કિશોરો ટાંકીના ઉપરના ભાગે જ ફસાઈ ગયા હતા. સીડી તૂટી હોવાને કારણે નીચે ઉતરવાનો કોઈ રસ્તો રહ્યો ન હતો.

 ડ્રોન દ્વારા ભોજન અને SDRFની મથામણ:

ઘટનાની જાણ થતા જ ગોરખપુરથી SDRFની ૨૦ સભ્યોની ટીમ સાંજે છ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ટાંકી સુધી વાહન લઈ જવાનો રસ્તો ન હોવાથી અને વરસાદી વાતાવરણને કારણે રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી હતી. તંત્ર દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને ટાંકી પર ફસાયેલા બાળકો સુધી રસી પહોંચાડવામાં આવી હતી અને તે રસીના સહારે બાળકોને પાણીની બોટલો, બિસ્કિટ અને રાત્રિનું ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. આખી રાત સ્થાનિકો અને અધિકારીઓ નીચેથી બૂમો પાડીને બાળકોની હિંમત વધારતા રહ્યા હતા.

 હેલિકોપ્ટરથી અંતિમ રેસ્ક્યુ ઓપરેશન:

SDRFની ટીમને સફળતા ન મળતા વહીવટી તંત્રની પહેલ પર વહેલી સવારે પાંચ વાગ્યે હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરની મદદથી એક-એક કરીને બંને કિશોરોને ટાંકી પરથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ ડીએમ શિવસરણપ્પા જી એન અને અન્ય અધિકારીઓ સહિત બાળકોના પરિવારા જનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 રાજકીય નેતાઓની મુલાકાત:

આ ઘટનાની ગંભીરતા જોઈને વિરોધ પક્ષના નેતા માતા પ્રસાદ પાંડે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને બાળકોને સુરક્ષિત ઉતારવા માટે કડક સૂચના આપી હતી. તેમણે મૃતક બાળકના પરિવારજનોને સાંત્વના આપી હતી અને ઈજાગ્રસ્ત બાળકોના ખબર-અંતર પૂછ્યા હતા. પંદર કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ બંને બાળકો સહીસલામત ઘરે પરત ફરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.

(10:48 AM IST)