News of Tuesday, 5th May 2026
તમિલનાડુમાં એક્ટર વિજયની ‘રાજકીય સુનામી’: એક જ ઝાટકે દ્રવિડિયન કિલ્લાઓ ધ્વસ્ત, પોલિટિકલ સ્ટાર્ટઅપ TVK કેવી રીતે બની ગઈ ‘યુનિકોર્ન’ પાર્ટી?
DMK અને AIADMK ના દાયકાઓ જૂના વર્ચસ્વનો અંત: ૧૦૮ બેઠકો પર વિજય સાથે વિજયે રચ્યો ઈતિહાસ, એન.ટી. રામ રાવ અને કેજરીવાલની યાદ અપાવતી આ શાનદાર જીત પાછળ બદલાવની લહેર

ચેન્નાઈ, તા.૦૫: તમિલનાડુના રાજકીય આકાશમાં આજે એક નવો સિતારો ઝળક્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્ટરી કઝગમ’ (TVK) એ વિધાનસભા ચૂંટણીમાં એવી તે સુનામી લાવી છે કે રાજ્યના સ્થાપિત પક્ષો DMK અને AIADMK ના પાયા હચમચી ગયા છે. જે રીતે બિઝનેસ જગતમાં કોઈ નાનું સ્ટાર્ટઅપ રાતોરાત ‘યુનિકોર્ન’ (મોટી કંપની) બની જાય, તેવી જ રીતે વિજયની આ પાર્ટીએ ભારતીય રાજકારણમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને સફળ ડેબ્યૂ કર્યું છે. ૧૦૮ બેઠકો પર જીત કે લીડ સાથે TVK હવે સત્તાના દ્વાર પર આવીને ઉભી છે.
ઐતિહાસિક જીત: તેલુગુ દેશમ પાર્ટી અને AAP ની યાદ તાજી થઈ
ભારતીય રાજનીતિમાં આવા કિસ્સાઓ ખૂબ જ જૂજ છે. ૧૯૮૩માં તેલુગુ સુપરસ્ટાર એન.ટી. રામ રાવે (NTR) તેલુગુ દેશમ પાર્ટી બનાવીને એક જ વર્ષમાં આંધ્રપ્રદેશમાં ૨૦૧ બેઠકો જીતી હતી. ત્યાર બાદ ૨૦૧૩માં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં આવો જ ચમત્કાર કર્યો હતો. હવે ૨૦૨૬માં વિજયે તમિલનાડુમાં એ જ ઈતિહાસ દોહરાવ્યો છે. રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો જે ન કરી શક્યા, તે વિજયે માત્ર બે વર્ષ જૂના સંગઠન સાથે કરી બતાવ્યું છે.
લોકપ્રિયતાનું રાજકીય મૂડીમાં રૂપાંતર
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ માત્ર ફિલ્મી લોકપ્રિયતાની જીત નથી, પરંતુ લોકોની બદલાવની અદમ્ય ઈચ્છાનું પરિણામ છે. વિશ્લેષક સંજય ઝાના મતે, "તમિલનાડુના મતદારો દાયકાઓથી ચાલી આવતી બે પક્ષોની લડાઈથી કંટાળ્યા હતા અને તેઓ શાસનમાં નવો દ્રષ્ટિકોણ ઈચ્છતા હતા." વિજયે પોતાની સ્ટાર ઈમેજનો ઉપયોગ ગંભીર રાજકીય મુદ્દાઓ અને ‘ડોર-ટુ-ડોર’ કેમ્પેઈન સાથે જોડીને જનતાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.
પ્રશાંત કિશોર ફેક્ટર અને બિહારનો વિરોધાભાસ
રસપ્રદ વાત એ છે કે, વિજયની આ વ્યૂહરચના પાછળ રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરના ઈનપુટ્સ હોવાનું મનાય છે. ગયા વર્ષે બિહારમાં પ્રશાંત કિશોરની પોતાની પાર્ટી ‘જન સુરાજ’ નિષ્ફળ રહી હતી, પરંતુ તમિલનાડુમાં એ જ મોડેલ સફળ સાબિત થયું છે. આ દર્શાવે છે કે યોગ્ય નેતૃત્વ અને જનતાનો મૂડ જ્યારે મળે છે, ત્યારે જ કોઈ પણ પક્ષ ‘યુનિકોર્ન’ બની શકે છે.
નવા ભારતના નવા સમીકરણો
TVK ની આ જીત હવે અન્ય રાજ્યોના સ્ટાર્ટઅપ પક્ષો માટે એક બ્લુપ્રિન્ટ બનશે. યુપીમાં અપના દલ હોય કે બિહારમાં પ્લુરલ્સ પાર્ટી, દરેક માટે વિજયની આ સફળતા એક પ્રેરણા છે. તમિલનાડુએ સાબિત કરી દીધું છે કે જો રાજકારણીઓ જનતાની અપેક્ષાઓ પર ખરા ન ઉતરે, તો જનતા કોઈ પણ નવા અને અજાણ્યા ચહેરા પર દાવ ખેલવા તૈયાર છે. ‘થલપતી’ વિજય હવે માત્ર ફિલ્મી પડદાના હીરો જ નહીં, પણ તમિલનાડુના નવા રાજકીય ભાગ્યવિધાતા તરીકે ઉભરી આવ્યા છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
