News of Monday, 28th September 2026
ભયાનક ભૂસ્ખલનથી હિમાલયનો આખો પહાડ માત્ર ૩ સેકન્ડમાં ધડાકાભેર ધરાશાયી: નેપાળમાં જીવલેણ વરસાદ અને પૂર વચ્ચે કુદરતનો પ્રકોપ
મનાંગ અને મુસ્તાંગમાં ભૂસ્ખલનને કારણે મર્સ્યાંગદી તથા કાલી ગંડકી નદીનો પ્રવાહ રોકાયો; ભારે આપત્તિમાં ૨૦થી વધુ લોકોના મોત, તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી

કાઠમંડુ, તા.૨૮: સોશિયલ મીડિયા પર હાલમાં નેપાળથી સામે આવેલા એક અત્યંત ભયાનક અને ચોંકાવનારા વીડિયોએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. હિમાલયના ઊભો ઢોળાવ ધરાવતા પહાડનો એક વિશાળ હિસ્સો આંખના પલકારામાં જ તૂટી પડતો દેખાય છે. પથ્થર, માટી, કાદવ અને વૃક્ષોનો મોટો જથ્થો પહાડની બાજુએથી એટલી ભયાનક ઝડપે નીચે સરકી રહ્યો છે કે જાણે આખો પહાડ માત્ર ૩ સેકન્ડમાં જ ગાયબ થઈ ગયો હોય. ધૂળ અને કાટમાળના વિશાળ વાદળો હવામાં ફેલાઈ જતાં આ દ્રશ્યો જોઈને કોઈ પણ કંપાઈ ઊઠે તેમ છે.
આ ભયાનક ઘટના નેપાળના મનાંગ જિલ્લાના 'ચામ્બે' (Chame) વિસ્તાર નજીકની હોવાનું કહેવાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર નેપાળમાં મુશળધાર વરસાદ, જળબંબાકાર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. આ ભૂસ્ખલનને કારણે સ્થાનિક મર્સ્યાંગદી નદીનો પ્રવાહ રોકાઈ જતાં નીચાણવાળા વિસ્તારો પર અચાનક પૂરનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને હાઈ એલર્ટ પર રહેવાની કડક ચેતવણી આપી છે.
સમગ્ર દેશમાં ૨૦થી વધુ લોકોના મોત, સેંકડો ઘરો જમીનદોસ્ત
નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના અહેવાલ મુજબ, ૨૪ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાયેલા નીચા દબાણના કારણે નેપાળમાં અતિભારે વરસાદ પડ્યો છે. આ આપત્તિમાં અત્યાર સુધીમાં ૨૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી એકલા ભૂસ્ખલનની ઘટનાઓમાં જ ૧૪ લોકોના કરૂણ મોત થયા છે અને ૫ લોકો હજુ પણ ગુમ છે.
કુદરતના આ કોપથી ૨૪૭થી વધુ પરિવારો સીધા પ્રભાવિત થયા છે, ૨૬૦થી વધુ મકાનો ક્ષણભરમાં સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે ૮૦થી વધુ ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. દેશભરના ૧૦૬થી વધુ સ્થળોએ ૧૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં નવલપરાસીના દુમકુઆલીમાં રેકોર્ડબ્રેક ૪૫૫.૨ મીમી વરસાદ ખાબક્યો છે. સતત ચોધાર વરસાદે પહાડોની જમીનને અંદરથી પોચી બનાવી દીધી છે.
બ્રિજ વહી ગયા, હાઇવે બંધ અને પર્વતારોહકો ગુમ
વરસાદ અને ભૂસ્ખલનના કારણે નેપાળનું પરિવહન માળખું સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સ્યાંગજા અને ગુલ્મીને જોડતો કાલી ગંડકી નદી પરનો બેલી બ્રિજ નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો છે. ચિતવન તરફ જતા અનેક મુખ્ય ધોરીમાર્ગો પહાડી કાટમાળ આવી જવાથી બંધ થઈ ગયા છે. સેના અને રાહત ટુકડીઓ દ્વારા અત્યાર સુધીમાં ૩,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જાજરકોટ, મ્યાગદી અને સંખુવાસભા જેવા દુર્ગમ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.
બીજી તરફ, મનાંગમાં ૭,૧૨૬ મીટર ઊંચા 'હિમલુંગ હિમાલ' શિખર પર ભયાનક હિમસ્ખલન (Avalanche) થતાં પર્વતારોહકો અને તેમના સહાયકો ફસાયા છે. તાજેતરના અહેવાલો મુજબ ૪ પર્વતારોહકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૧૨ લોકો હજુ પણ ગુમ છે. તંત્ર દ્વારા દેશમાં હાજર આશરે ૯,૦૦૦ વિદેશી પ્રવાસીઓ અને ટ્રેકર્સને હાલ પહાડી વિસ્તારોમાં મુસાફરી ન કરવા અને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ આશરો લેવા અપીલ કરવામાં આવી છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
