<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ગાઝિયાબાદમાં સર્જાયો ફિલ્મી જેવો ચમત્કારિક કિસ્સો: નહેરમાંથી મળેલી લાશને પુત્ર સમજી પરિવારે અગ્નિસંસ્કાર કરી દીધા બાદ મૃતક યુવાન પોતાની જ તેરમાની વિધિના દિવસે સદેહે ઘેર પાછો ફરતા સગા-સંબંધીઓ સ્તબ્ધ થઈ ગયા

​જેલમાંથી છૂટ્યા બાદ ગુમ થયેલા યુવકના મામલે પરિવારે અજાણી લાશ ઓળખી લઈ તમામ અંતિમ સંસ્કાર પૂર્ણ કરી દીધા હતા, હવે તેરમાના દિવસે જ અસલી યુવક જીવતો ઘરે આવી પહોંચતા પોલીસ દોડતી થઈ: અંતિમ સંસ્કાર કરાયેલી લાશ કોની હતી તે અંગે રહસ્ય ઘેરાયું

​ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાંથી એક એવી અકલ્પનીય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જાણીને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. અહીં એક પરિવારે જે યુવાનને મૃત માનીને તેના શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા હતા, તે જ યુવાન પોતાની તેરમાની (તેરવી) વિધિના દિવસે અચાનક જીવતો ઘરે પરત ફરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘરમાં જ્યાં ૧૩ દિવસથી માતમ અને શોકનો માહોલ હતો, ત્યાં અચાનક જ મૃત્યુ પામેલો પુત્ર નજર સામે આવીને ઊભો રહી જતાં પરિવારજનોમાં એક તરફ ખુશી તો બીજી તરફ ભારે આશ્ચર્ય અને ભયનો મિશ્ર માહોલ સર્જાયો હતો.

​મળતી વિગતો અનુસાર, આ આખી ઘટના ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય ગિરિધર સિંહ સાથે જોડાયેલી છે. ગત ૧૬મી મેના રોજ ગિરિધર સામે શૈલેષ વર્મા નામના એક વ્યક્તિએ હથોડાથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. આ ગુના હેઠળ પોલીસ દ્વારા ગિરિધર સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ડાસના જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. થોડા દિવસો બાદ તે જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો, પરંતુ જેલમાંથી છૂટ્યા પછી તે પોતાના ઘરે પરત ફરવાને બદલે અચાનક ગુમ થઈ ગયો હતો.

​એકલો જ દીકરો હોવાથી ચિંતાતુર પરિવારે તેની આસપાસના વિસ્તારોમાં અને સંબંધીઓને ત્યાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. લાંબા સમય સુધી ગિરિધરનો કોઈ પત્તો ન મળતા આખરે થાકી-હારીને પરિવારજનોએ પોલીસમાં તેની ગુમશુદગીની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી હતી, તે દરમિયાન જ પોલીસને મસૂરી નહેરમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. પોલીસે તુરંત જ ગિરિધરના પરિવારને આ અંગેની જાણ કરીને લાશની ઓળખ કરવા માટે બોલાવ્યા હતા. ગિરિધરના પરિવારે મૃતદેહ જોઈને તે તેમનો જ પુત્ર હોવાની મક્કમ પુષ્ટિ કરી દીધી હતી. પરિવારજનો પોતાની ઓળખ અંગે એટલા હદ સુધી સુનિશ્ચિત હતા કે પોલીસે પણ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ડીએનએ (DNA) ટેસ્ટ કરાવવાની તસ્દી લીધી નહોતી અને પંચનામા બાદ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો.

​પરિવારે પોતાના એકમાત્ર દીકરાના મોતના ગમમાં ડૂબીને તે અજાણ્યા મૃતદેહને ગિરિધર સમજીને હિન્દુ રીત-રિવાજ મુજબ અગ્નિસંસ્કાર કરી દીધા હતા. ત્યારબાદ ઘરમાં સતત શોકસભા અને ઉત્તરક્રિયાની વિધિઓ ચાલી રહી હતી. બરાબર તેરમા દિવસે જ્યારે ઘરમાં સગા-સંબંધીઓની હાજરી વચ્ચે તેરમાની અંતિમ ધાર્મિક વિધિઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક ઘરનો દરવાજો ખખડ્યો હતો. પરિવારના સભ્યોએ દરવાજો ખોલતા જ સામે ગિરિધર સિંહ જીવતો જાગતો ઊભો હતો. પોતાની આંખો સામે જ ગિરિધરને જોઈને પરિવારના સભ્યો, સંબંધીઓ અને ગ્રામજનોના હોશ ઉડી ગયા હતા. ઘડીભર માટે ઘરમાં ભય અને અચરજનું વાતાવરણ ફેલાઈ ગયું હતું, પરંતુ બાદમાં દીકરો જીવતો હોવાની સાચી હકીકત સામે આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

​આ અતિ વિચિત્ર કિસ્સા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પરિવારે પોતે જ નહેરમાંથી મળેલી લાશ ગિરિધરની હોવાની સત્તાવાર ઓળખ આપી હતી. તેઓ સંપૂર્ણપણે ચોક્કસ હોવાને લીધે જ આગળની કાર્યવાહી કરાઈ હતી. જો પરિવારને સહેજ પણ શંકા હોત તો ડીએનએ ટેસ્ટ ચોક્કસ કરવામાં આવ્યો હોત. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે જેલમાંથી મુક્ત થયા બાદ ગિરિધર પંજાબમાં આવેલા રાધાસ્વામી સત્સંગ બ્યાસ ખાતે ચાલ્યો ગયો હતો, જેથી તે પરિવારના સંપર્કમાં આવી શક્યો નહોતો. આ ઘટના બાદ હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર એ ઊભો થયો છે કે જે અજાણ્યા વ્યક્તિની લાશના ગિરિધર સમજીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, તે અસલમાં કોણ હતો? પોલીસ હવે આ સમગ્ર મામલે નવેસરથી તપાસ શરૂ કરીને રહસ્યમય લાશના મૂળ માલિકની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

(8:12 PM IST)